ઉત્તરપ્રદેશના અલીગઢમાં ધનીપુર મિની એરપોર્ટ પર રવિવારે એક ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. ઘટનામાં પાઇલોટનું સદનસીબે બચાવ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિમાન લેન્ડિંગ સમયે બેકાબૂ થઈને એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું. દુર્ઘટના એવા સમયે બની, જ્યારે ટ્રેઈની પાયલટ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. વિમાન દિવાલ સાથે ટકરાતા એક જોરદાર અવાજ સંભળાયો હતો, જેને લઈને લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ધનીપુર મિની એરપોર્ટ પર એક તાલીમી વિમાન નિયમિત ઉડાન પ્રેક્ટિસના ભાગ રૂપે આકાશમાં ઉડાન ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
દુર્ઘટના સમયે વિમાનમાં ફક્ત પાઇલટ જ હાજર હતો, જે તાલીમ કવાયતના ભાગ રૂપે ઉડાન ભરી રહ્યો હતો. વિમાન લેન્ડિંગ મોડમાં આવતાની સાથે જ કોઈ ટેકનિકલ કારણોસર પાયલટે કાબૂ ગુમાવી દીધો, જેના કારણે વિમાન સીધું એરપોર્ટની બહારની દિવાલ સાથે અથડાયું. આ ટક્કરથી વિમાનને નુકસાન થયું અને નજીકમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વિમાનમાં કોઈ આગ લાગી ન હતી અને કોઈ વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ ન હતી, આમ મોટી દુર્ઘટના ટળી ગઈ. અલીગઢ જિલ્લા વહીવટીતંત્રે ખાતરી આપી છે કે અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી જણાશે તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, ભવિષ્યમાં આવા અકસ્માતો ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500