વ્યારાના મીરપુર ગામની સીમમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વ્યારાના એક જ પરિવારના બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જયારે માતા અને પુત્રીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં પિતા અને 4 વર્ષીય પુત્રીનું મોત નીપજતા પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જેતાભાઇ ડાંગના આહવા ખાતે પાઈપ ખાલી કરવા ગયા હતા.
મળતી માહિતી અનુસાર વ્યારા-ખટાડી રોડ પર આવેલ ગિરનાર રેસીડેન્સીમાં રહેતા 35 વર્ષીય જેતાભાઇ નારણભાઇ ભારાઈ પોતાનો મીની ટેમ્પો નંબર જીજે-26-ટી-6177 પર ભાડા ફેરીનો વ્યવસાય કરતા હતા. દરમિયાન મંગળવારે પત્ની મનીષાબેન (ઉ.વ.30),મોટી પુત્રી સ્નેહા (ઉ.વ.10) તથા 4 વર્ષીય નાની પુત્રી મનસ્વીને સાથે લઇ જેતાભાઇ ડાંગના આહવા ખાતે પાઈપ ખાલી કરવા ગયા હતા.
વ્યારા પરત થઈ રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો રોડની સાઈડ પર એક વૃક્ષમાં ધડાકાભેર અથડાયો હતો.
વ્યારા પરત થઈ રહ્યા હતા તે દરમિયાન બપોરે 3:30 કલાકના અરસામાં વ્યારાના મીરપુર ગામની સીમમાં જેતાભાઈએ મીની ટેમ્પોના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાતા ટેમ્પો રોડની સાઈડ પર એક વૃક્ષમાં ધડાકાભેર અથડાયો હતો. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જેતાભાઇ ભારાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.
હોસ્પિટલમાં લઇ આવતા રસ્તામાં 4 વર્ષીય નાની પુત્રી મનસ્વીએ પણ દમ તોડ્યો હતો
અકસ્માત સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ખાનગી વાહનમાં આ પરિવારના અન્ય લોકોને વ્યારા જનરલ હોસ્પિટલમાં લઇ આવતા રસ્તામાં 4 વર્ષીય નાની પુત્રી મનસ્વીએ પણ દમ તોડ્યો હતો જયારે પત્ની મનીષાબેન અને મોટી પુત્રી સ્નેહાને શરીરે ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. બનાવની જાણ વ્યારા પોલીસને થતા ટીમ્બાભાઈ નારણભાઈ ભારાઈની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500