તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દેશભર સહિત રાજ્યના 75 સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. જિલ્લામાં વ્યારા અને વેડછી ગામે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વેડછીની ઐતિહાસિક પાવન ભૂમિ પર આયોજિત આ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે સાંસદ દર્શનાબેન જરદોશ અને ધારાસભ્ય મોહનભાઈ દોઢિયા સહિત મહાનુભાવોએ ઉપસ્થિત નોંધાવી હતી. કાર્યક્રમની શરૂઆત અધ્યાપન મંડળ અને ગાંધી વિદ્યાપીઠની સંગીત ટુકડીએ ગાંધીજી અને જુગતરામ દવેને યાદ કરી ભજનો-ગીતો રજુ કર્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે પૂ.ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.
આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતાં સાંસદ દર્શનાબેન જરદોશે જણાવ્યું કે વેડછી ગામ આપણા દેશની આઝાદીના સંસ્મરણોની યાદ અપાવે છે. ગાંધી યુગના જુગતરામ દવે ‘વેડછીનો વડલો’ તરીકે જગવિખ્યાત છે. હાલની પેઢી અને આવનાર પેઢી આઝાદી વખતે આવા મહાપુરુષો વિશે જાણે કે, તે યોગદાન કેટલું મહત્વનું હતું અને દેશને આઝાદી કેવી રીતે મળી તેની યાદો ફરી તાજા થાય તે માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં યોજવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના તમામ રજવાડાઓને ભેગા કરી એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શ્રેષ્ઠ રાષ્ટ્ર-એક રાષ્ટ્રના નિર્માણ માટે સતત કાર્યશીલ છે.
ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં વેડછીની પાવન અને ઐતિહાસિક ભૂમિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ વિસ્તારના આદિવાસી સમાજે પણ આઝાદી વખતે ઘણા ત્યાગ અને બલિદાનો આપ્યા છે ત્યારે આ પર્વ નિમિત્તે તેમને યાદ કરી આજની યુવાપેઢીમાં પણ દેશ માટે ત્યાગ અને બલિદાનની ભાવના જગાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર ચેતના અને દેશ ભાવના જાગૃત કરવાની જવાબદારી તમામ સાંસદો-અધિકારીઓને સોંપી છે. વડાપ્રધાને રાજ્યમાં ગાંધીજીના મંદીરનું નિર્માણ કરી લોકોને સતત ગાંધીજીના વિચારો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
કાર્યક્રમની શરૂઆતમાં અધિક કલેક્ટર બી.બી.વહોનિયાએ સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક ભૂમિ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્વાતંત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોને આવકારતા જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી અને લોકોમાં શહીદો પ્રત્યે આદર અને સન્માનની લાગણી જાગે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમની ઉજવણી રાજ્યના 75 સ્થળોએ થઈ રહી છે. તેમણે કહ્યું કે, લોકો તથા યુવાનોએ માત્ર મહાપુરુષોના નામ જ જાણે છે. પરંતુ તેમને આઝાદી કેવી રીતે મળી અને આ સંગ્રામ વખતે પડેલી મુશ્કેલી તથા રાષ્ટ્રપ્રેમ પ્રત્યેની યાદો તાજી થાય તે માટે તેમની ભાવનાને ઉજાગર કરવા અમૃત મહોત્સવનું આયોજન વેડછીની ઐતિહાસિક ભૂમિ પર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500