તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.તાપીમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં જ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ધોધમાર વરસાદને કારણે સાત જેટલા ગામો સંપર્કવિહોણા બન્યા છે.પૂરની સ્થિતિ સર્જાતાં રસ્તા પર અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં ડોલવણના ચુનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા છે.વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં નાની-મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. કાંટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર, લવચાલી તેમજ ચાંપાવાડી અને મોટા બંધારપાડા સહિત અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે.
આ સાથે જ વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વ્યારાના રાણીઆંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે.રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામ સંપર્કવિહોણા બન્યા છે.વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.ડોલવણના પદમડુંગરી ઈકો ટુરીઝમથી ચુનાવાડી તરફ જતાં રસ્તા પર પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.ડોલવણ વિસ્તારમાં ઓલણ નદી ફરી ગાંડીતૂર બની છે. સતત પડી રહેલા વરસાદને કારણે પંચોલ આશ્રમથી પીઠાદરા - અંતાપુર જતા રસ્તા પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતાં સાતથી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500