Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજદ્રોહનાં કાયદાને રદ્દ કરવાની જરૂર નથી, પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહનાં કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી

  • June 02, 2023 

રાજદ્રોહનાં કાયદાને રદ્દ કરવાની જરૂર નથી. આ ભલામણ ભારતના કાયદા પંચ દ્વારા રાજદ્રોહ કાયદાને લઈને કરવામાં આવી છે. પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહનાં કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો રિપોર્ટ કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. ભારતના કાયદા પંચનું કહેવું છે કે, ભારતીય દંડ સંહિતામાં રાજદ્રોહનો ગુનો (કલમ 124A) કેટલાક ફેરફારો સાથે જાળવી રાખવો જોઈએ.


પંચે વધુ સ્પષ્ટતા માટે કાયદામાં સુધારાની ભલામણ કરી છે. કાયદા પંચે જણાવ્યું છે કે, ભારતીય દંડ સંહિતા (IPC)માં કલમ 124Aને જાળવી રાખવાની જરૂર છે. જોકે, કેદારનાથ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના તથ્યોને સામેલ કરીને કેટલાક સુધારા કરી શકાય છે, જેથી જોગવાઈના ઉપયોગ અંગે વધુ સ્પષ્ટતા લાવી શકાય.



રાજદ્રોહનાં ગુના અંગે કાયદા પંચનો પ્રસ્તાવ અને ભલામણો.... 


રાજદ્રોહના ગુનાની સજા (IPCની કલમ 124A) વધારવી જોઈએ,

પંચે ભલામણ કરી છે કે રાજદ્રોહ માટે ઓછામાં ઓછી 3 વર્ષથી 7 વર્ષની જેલની સજા કરવામાં આવે, 

ભારતના કાયદા પંચે કહ્યું કે, ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી છે,

ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવામાં આવે,

નાગરિકોની સ્વતંત્રતા ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે જ્યારે રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે,

ભારત વિરુદ્ધ કટ્ટરતા ફેલાવવામાં અને સરકારને નફરતની સ્થિતિમાં લાવવામાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા છે,

ઘણીવાર વિદેશી શક્તિઓની મદદ અને સગવડતા પર થાય છે, આ માટે કલમ 124A લાગુ કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે,

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને લખેલા તેમના કવરિંગ લેટરમાં 22માં કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી (નિવૃત્ત)એ પણ કેટલાક સૂચનો આપ્યા છે,

તેમાં કહેવામાં આવ્યું છે કે, IPCની કલમ 124A જેવી જોગવાઈની ગેરહાજરીમાં સરકાર વિરુદ્ધ હિંસા ઉશ્કેરતી કોઈપણ અભિવ્યક્તિ પર વિશેષ કાયદાઓ અને આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ, જેમાં આરોપીઓ સાથે વ્યવહાર કરવા માટે ઘણી વધુ કડક જોગવાઈઓ છે,

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, IPC કલમ 124Aને અમુક દેશોએ  રદ કરી છે તેના આધારે રદ કરવું યોગ્ય નથી, કારણ કે આવું કરવું એ ભારતમાં જમીની વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરવા જેવું હશે,

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેને રદ્દ કરવાથી દેશની અખંડિતતા અને સુરક્ષા પર અસર પડી શકે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રાજદ્રોહનો ગુનો એ યુગ (બ્રિટિશ યુગ) પર આધારિત વસાહતી વારસો છે જેમાં તે ઘડવામાં આવ્યો હતો. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સામે તેના ઉપયોગના ઇતિહાસને જોતાં આ ખાસ કરીને સાચું છે, પરંતુ ભારતીય કાયદાકીય વ્યવસ્થાનું સમગ્ર માળખું સંસ્થાનવાદી વારસો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application