Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચરખડીમાં પંકજ ઉધાસના વડવાઓનું રાજાશાહી વખતનું મકાન આજે પણ છે હયાત

  • February 27, 2024 

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે મુંબઇ ખાતે નિધન થયું છે. જેના સમાચાર તેમના વતન ગુજરાતના ગોંડલ તાલુકના વીરપુર (જલારામ) નજીક આવેલ ચરખડી ગામે પહોંચતા ગામલોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ ચરખડી ગામે પંકજ ઉધાસનું ઘર છે અને ત્યાં તેમના માતાજી પુનબાઇ અને લાલબાઇના મઢ છે.


ચરખડી ગામના અગ્રણી શત્રુઘ્ન રોકડએ જણાવ્યું કે, પંકજભાઇના નિધનના સમાચાર સાંભળી ગામ લોકોના આંખમાં ઝળઝળીયા આવી ગયા છે. ચરખડીમાં પંકજ ઉધાસના વડવાઓનું રાજાશાહી વખતનું મકાન આજે પણ હયાત છે. પુનબાઇ અને લાલબાઇ માતાજીનો અહીં મઢ છે. જ્યાં દર વર્ષે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે. આ ઘરમાં આજે ભાડુઆત રહે છે.


ઉલ્લેખનીય છે કે સોનલધામ મઢડા ખાતે ગત જાન્યુઆરી મહિનામાં 11, 12 અને 13 તારીખના રોજ જન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. જ્યાંથી પંકજ ઉધાસના સન્માનમાં તેમના માટે એક શિલ્ડ આપવામાં આવ્યો હતો. આ શિલ્ડ ચરખડી ખાતે તેમના પૈતૃક ઘરે મોકલવામાં આવ્યો હતો. પંકજભાઇ તેમના પરિવાર સાથે અહીં વર્ષમાં એક-બે વખત આવતા હોય છે. જેથી તેઓ જ્યારે અહીં આવે ત્યારે તેમને આ શિલ્ડ (સન્માન) આપવાનો હતો. સોનલધામ મઢડાથી ચરખડી ખાતે શિલ્ડ આવ્યો પણ પંકજભાઇ અહીં આવે તે પહેલા જ તેમનું નિધન થયું.


ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય દિવ્યેશભાઇ લીલાએ જણાવ્યું હતું કે, પંકજભાઇ જ્યારે ગઝલ લખતા ત્યારે તેની કેસેટ માતાજીના ચરણોમાં અર્પણ કરવા માટે અહીં આવતા. આજે તેમના નિધનના સમાચાર મળતા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. ત્રણ ભાઈમાં પંકજ ઉધાસ સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખડી ગામનો હતો. તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દીવાન પણ હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા તો માતા જિતુબેન ઉધાસને ગીતોનો ખૂબ શોખ હતો. આ જ કારણ હતું કે પંકજ ઉધાસ અને તેમના બંને ભાઈઓનો હંમેશાં સંગીત તરફ ઝુકાવ રહ્યો હતો.


પંકજ ઉધાસે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ સિંગિંગમાં પોતાનું કરિયર બનાવશે. એ દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ રિલીઝ થયું હતું. પંકજને આ ગીત ખૂબ ગમ્યું. તેમણે આ ગીત કોઈની મદદ લીધા વિના લય અને સૂર સાથે કમ્પોઝ કર્યું હતું. એક દિવસ શાળાના પ્રિન્સિપાલને ખબર પડી કે તેમને ગાવામાં રસ છે, ત્યાર બાદ તેમને શાળાની પ્રાર્થના ટીમના વડા બનાવવામાં આવ્યા.



એકવાર પંકજ ઉધાસની કોલોનીમાં માતાનાં ભજનોનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. રાત્રે આરતી-ભજન પછી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો. એ દિવસે પંકજની શાળાના શિક્ષકે આવીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત ગાવાની વિનંતી કરી. પંકજે ‘એ મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું. તેમના ગીતથી ત્યાં બેઠેલા દરેકની આંખોમાં આંસુ આવી ગયાં. પ્રેક્ષકોએ તાળીઓથી પંકજજીને વધાવી લીધા હતા. પ્રેક્ષકોમાંથી એક માણસ ઊભો થયો અને તેમના માટે તાળીઓ પાડી અને ઈનામ તરીકે 51 રૂપિયા આપ્યા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application