સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવાનો પ્રસ્તાવ કાયદો બની ગયો છે, પરંતુ હાલમાં આ કાયદો હજુ સુધી દેશમાં અમલમાં મૂકાયો નથી. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કાયદાનો તાત્કાલિક અમલ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સંક્ષિપ્ત સુનાવણી પછી કેન્દ્ર સરકાર પાસેથી 14 દિવસની અંદર જવાબ માંગ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં કાયદો અમલ કરવાના સંબધમાં સરકારનું વલણ જાણવું મહત્ત્વપૂર્ણ છે.
કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં ત્રણ સપ્તાહ પછી સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અગાઉ અરજકર્તા જયા ઠાકુરનું પ્રતિનિધિત્ત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, કોર્ટને નિર્દેશ જારી કરવા જોઇએ કે કાયદાનો અમલ સામાન્ય ચૂંટણી પહેલા થવો જોઇએ. કોર્ટે દલીલો સાંભળ્યા પછી સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે તે કેસમાં આ સ્તરે કોઇ આદેશ જારી કરી શકે તેમ નથી. બે જજોની બનેલી ખંડપીઠે અરજકર્તાને સરકારના જવાબની રાહ જોવા જણાવ્યું છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠ સમક્ષ સરકારની તરફથી વકીલ કનુ અગ્રવાલ હાજર થયા હતાં. તેમણે જણાવ્યું હતું કે જવાબ દાખલ કરવા માટે તેમનો કેટલોક સમય જોઇએ. કોર્ટે બે સપ્તાહની અંદર જવાબ આપવા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500