Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એમ્બ્રોઇડરીનાં 60 ટકાથી વધુ મશીનો બંધ થતાં મહિલાઓ સહિત 8 લાખથી વધુ લોકોની રોજગારી પર સીધી અસર

  • May 15, 2022 

એપ્રિલના બાદ કાપડ બજારના વેપારીઓએ નવો માલ આપવાનું બંધ કરી દેતાં જોબવર્ક કરતાં એમ્બ્રોઇડરીના 60 ટકાથી વધુ મશીનો બંધ થઈ ગયાં છે. એમ્બ્રોઈડરી મશીનો બંધ થતાં મહિલાઓ સહિત 8 લાખની રોજગારીને સીધી અસર થઇ છે. છેલ્લા બે દશકામાં આટલી ખરાબ પરિસ્થિતિ કારખાનેદારોએ ક્યારેય અનુભવી નથી. વેપારીઓને આગળ સિઝન નજરે પડતી નહીં હોવાને કારણે, જોબવર્ક માટેનો માલ આપવાનું તદ્દન ઓછું કરી દીધું છે. હાલમાં માંડ 40 ટકા મશીનો ધીમે ધીમે ચાલી રહ્યાં છે.



સુરત શહેર અને આસપાસના વિસ્તારો મળીને 1.75 લાખથી વધુ એમ્બ્રોઇડરીના મશીનો છે. આ ઈન્ડસ્ટ્રીઝ સાથે 12 લાખથી વધુ લોકો સીધી અને આડકતરી રીતે સંકળાયેલાં છે. કામકાજ ચાલું મહિનાથી મળવાનું બંધ થયાં ગયા પછી સંખ્યાબંધ લોકોની રોજગારીને સીધી અસર થઇ છે. એમ્બ્રોઈડરી ઉદ્યોગ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે. ડાયમંડ અને સ્ટોન વર્ક, સિલાઈ વર્ક તથા જુદા જુદા પ્રકારના હેન્ડ-વર્ક ઉપરાંત ધાગા-દોરા કટીંગ, ચેકિંગ, સાફસફાઈ તથા પોટલાં અને માલની ડીલેવરી તથા મોટી સંખ્યામાં ટેમ્પાવાળાઓ રોજગારી મેળવે છે. કામકાજમાં અડધોઅડધ કરતાં વધુનો ઘટાડો થયો હોવાને કારણે 8 લાખથી વધુને રોજગારીને સીધી અસર થઇ છે.



આટલી ખરાબ પરિસ્થિતિ છેલ્લાં 20-22 વર્ષમાં અનુભવી નથી. ભયંકર મંદી છતાં મશીનો બંધ થયા નથી. પ્રથમ વખત મારે બધાં જ મશીનો બંધ કરી દેવા પડયાં છે, એમ એમ્બ્રોઈડરી એસો. તેજસ (ટેક્સટાઇલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસો. ઓફ સુરત)ના કરુણેશ રાણપરિયાએ વાતચીતમાં જણાવ્યું હતું. હાલમાં 60 ટકા મશીનો 24 કલાક સંપૂર્ણપણે બંધ છે.



એમ્બ્રોઈડરી ઉદ્યોગ સાથે સીધી રીતે 3.50 લાખથી વધુ કારીગરો સંકળાયેલાં છે. આ કારીગરો રુ. 12 થી 15 હજારનો પગાર મેળવે છે. જ્યારે ધાગા કટિંગ, સિલાઈ અને સ્ટોન તથા ડાયમંડ વર્કનું કામ કરતી મહિલાઓ રૂપિયા 150 થી લઈને 400 સુધીની આવક મેળવે છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનું દર મહિને અંદાજે 175 લાખનું ટર્નઓવર છે. બહારગામના વેપારીઓ તરફથી નવા ઓર્ડર નહીં હોવાને કારણે કાપડ બજારનાં વેપારીઓએ જોબ વર્ક માટેનો માલ આપવાનું બંધ કરી દીધું છે. વેપારીઓ કોઈ જોખમ ખેડવા તૈયાર નથી. પરંતુ આગામી ઓગસ્ટ પછીના તહેવારો અને ત્યાર બાદ દિવાળીની તૈયારીને કારણે જૂનથી ફરી કામકાજ શરૂ થવાની આશાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application