વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નાથવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંપૂર્ણ કોરોનાકાળ દરમિયાન લોકહિતને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવાયા જેના પરિણામ સ્વરૂપે જિલ્લામાં કોરોનાનું પ્રમાણ નહિવત જેવુ છે. છતાં કોવિડ-19 રોગચાળાને જડમૂળથી નાબુદ કરવા માટે રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને બીજા તબક્કામાં ફર્ન્ટલાઈન વર્કર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. બંને તબક્કામાં મળેલ સફળતા બાદ તા.1લી માર્ચથી ત્રીજા તબક્કામાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ તેમજ 45 થી 60 વર્ષ સુધીના કો-મોરબીડ કે જેઓ કોઈ બીમારીથી પીડાતા હોય એવા તમામ લોકોને ધ્યાનમાં લેવાશે.
કોવિડ-19 વેક્સિનેશન દરમિયાન જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વ્યારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કણજા ફાટક ખાતે મુલાકાત લઈ ત્રીજા તબક્કાની વેક્સિનેશન કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. કલેકટર અને ડીડીઓએ આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજનબદ્ધ રીતે થઈ રહેલ કામગીરીની પ્રસંશા કરી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે જિલ્લાના પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, જો કોઈના ઘર પરિવારમાં 60 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત હોય તો તેમને રસી લેવા મોકલે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લાના 48 કેન્દ્રો પર વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ત્રણ હજારથી વધુ લાભાર્થીઓએ વેકસિનેશનનો લાભ લીધો છે.
ગુજરાત રાજ્યમાં પણ 11 લાખ કરતા વધુ લાભાર્થીઓએ વેક્સિનનો ડોઝ લીધો છે અને તેની આડઅસર જોવા મળી નથી તેથી લોકો ભય વગર વેક્સિન માટે આગળ આવે. કોવિડ વેક્સિનેશન માટે તાપી જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તથા જનક હોસ્પિટલ, વ્યારા ખાતે પણ નિયત ચાર્જમાં વેક્સિનેશન માટે સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500