Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના વેડછી ખાતે 'આઝાદીનો અમૃત મહોત્સવ' 12મી માર્ચે યોજાશે

  • March 11, 2021 

સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે દેશના વીરો તથા મહાપુરુષોએ ઘણા બલિદાનો આપ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. દેશને આઝાદ કરાવવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મહત્વની ભૂમિકા રહી હતી. તે સ્મૃતિને વર્તમાનમાં ઉજાગર કરવા માટે અને સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ તા.12/03/2021ના રોજ સવારે 9.30 કલાકે તાપી જિલ્લાના સ્વરાજ આશ્રમ વેડછીના પ્રાંગણમાં યોજાશે. જે અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારુ આયોજન માટે આજે તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

 

 

કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા કલેક્ટરે બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ કે, કોવિડ-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીને બેઠક વ્યવસ્થા જળવાય તથા આરોગ્ય વિભાગ દ્વારા વધુ ટીમો કાર્યક્રમના સ્થળે ગોઠવવાની રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક સમાજના લોકો ઉપસ્થિત રહે તથા તેમના માટે સબંધિત અધિકારીએ યોગ્ય વ્યવસ્થા કરવી તેમજ વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાને સોંપાયેલ ફરજ અદા કરશે.       

 

 

 

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનિયાએ પણ કાર્યક્રમ અન્વયે વિવિધ નોડલ અધિકારીઓ સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. પારંપરિક સ્વાગતથી શરૂ થનારા કાર્યક્રમમાં સ્વાગત ગીત, સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા તેમના પરિવારજનોની યોગ્ય બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત વક્તવ્યની રજૂઆત કરવામાં આવશે. આઝાદીને કેન્દ્રસ્થાને રાખીને રજૂ થનારા કાર્યક્રમમાં આઝાદી સંબંધિત વિવિધ પ્રસંગોની ઝાંખી/પ્રદર્શન સ્ટોલ દ્વારા દર્શાવવામાં આવશે. આ પ્રસંગે શાળા કોલેજના છાત્રો સવિનય કાનૂનભંગની ફ્લેગમાર્ચ રજૂ કરશે.

 

 

 

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગ અને મકાન, શિક્ષણ, ડી.જી.વી.સી.એલ., પોલીસ વિભાગ, રમતગમત, પાણી પુરવઠા  વિભાગ સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application