તાપી જિલ્લામાં ૫મી સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી રાજ્યના સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા,કલેકટર એચ.કે.વઢવાણિયા,જિલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી. કાપડિયા, શિક્ષણ સમિતિ ચેરમેન સરિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં ટાઉન હોલ વ્યારા ખાતે કરવામાં આવી હતી.
મંત્રી ઈશ્વરભાઈ પરમારે શિક્ષકદિન નિમિત્તે જેમની યાદમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને શત શત વંદન કરી જણાવ્યું હતું કે આપણા સમૃધ્ધ જીવન ઘડતરમાં મહત્વનો ફાળો માતા-પિતા પછી ગુરૂનો રહ્યો છે. શિક્ષક એટલે શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે. એટલે જ શિક્ષક એ શિલ્પકારથી પણ ચડિયાતો છે. શિલ્પકાર માત્ર નિર્જીવ પથ્થરને કંડારી મૂર્તી બનાવે છે જ્યારે શિક્ષક પ્રેમ,દયા,કરૂણા અને ગમા-અણગમાની લાગણીથી ભરપૂર વ્યક્તિને કંડારીને સુંદર બનાવે છે તેમ જણાવી શિક્ષણમાં જીવન સમર્પિત કરી સમાજ અને રાષ્ટ્ર સેવા કરનારા સાચા શિક્ષકો શિક્ષણને માત્ર વ્યવસાય નહીં પણ સમાજીક ધર્મ સમજીને ફરજ બજાવી છે તેવા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કલેકટર એચ.કે.વઢવાણિયાએ આજના યુગમાં ઓનલાઈન શિક્ષણ આપી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષણરૂપી સેવાયજ્ઞમાં યોગદાન આપનાર શિક્ષકોની કામગીરીને બિરદાવી ઉપસ્થિત તમામ શિક્ષકોને આહવાન કર્યું હતું કે જ્ઞાન સાથે ગમ્મતનું વાતાવરણ ઉભુ કરો. સરકારનો ઉદેશ્યને ઉજાગર કરીએ અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવા પ્રયાસો કરીએ.જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીએ શિક્ષકદિન નિમિત્તે સૌ મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે સંવેદનશીલ સરકારના શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો છે.કોરોના કાળમાં ઓટલા શિક્ષણ,શેરી શિક્ષણ આપી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઢંઢોળ્યા છે.
આ પ્રસંગે તાપી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર બ્રધરન હાઈસ્કુલ બોરપાડાતા.સોનગઢના શિક્ષક રસિકલાલ તુલસીભાઈ ધાનાણી અને ડોલવણના બી.આર.સી.કો-ઓર્ડિનેટર હિરેન રમેશચંદ્ર પરમારનું સન્માન કરી રૂા.૧૫,૦૦૦ નો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. તેમજ જિલ્લામાં ૮૫ ટકાથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.શિક્ષકદિનની ઉજવણી પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોષી,મામલતદાર બી.બી.ભાવસાર,નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરી સહિત શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના સારસ્વત ભાઈઓ-બહેનો સોશ્યલ ડિસ્ટર્ન્સ સાથે ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500