કોરોનાને પરાસ્ત કરવા માટે દવાની સાથે મક્કમ મનોબળ અને દઢ નિર્ધાર પણ હોવો જરૂરી છે. આવા જ એક વ્યારાના મહિલા દર્દી નિરંજનાબેન અમદાવાદીએ ૧૧ દિવસની સારવારના અંતે નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત આપી હતી. પોતાના પતિ ઈમાન નિયલનું પાંચ દિવસ પહેલા અને દેરાણીનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. આવી દુખની ઘડી વચ્ચે ૬૬ વર્ષીય નિરંજનાબહેને કોરોથી સ્વસ્થ થયા હતા.
તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૧૩માં મેટ્રન નર્સ તરીકેની ૩૦ વર્ષથી વધુની સેવા બજાવીને નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદીએ શહેરમાં પ્લેગ, ભુંકપ, પુર જેવી અનેક આફતો વચ્ચે દર્દીનારાયણની સેવામાં સમર્પિત રહ્યા હતા. વ્યારા જેવા નાના ટાઉનમાંથી આવતા નિરંજનાબહેને આદિવાસી સમાજની ૧૫૦થી વધુ દિકરીઓને નર્સીંગક્ષેત્રે લાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. નિરંજનાબહેન અગાઉ બ્રેસ્ટ કેન્સર તથા ગર્ભાશયના કેન્સરને પણ મ્હાત આપી ચુકયા છે.
નિરંજનાબહેન કહે છે કે, ગમે તેવા કપરા સંજોગો આવે પણ લોકોએ ગભરાયા વિના કોરોનાની સારવાર કરવી જોઈએ. તમારૂ જેટલુ મનોબળ મક્કમ હશે તેટલા તમે ઝડપી સ્વસ્થ થશો.
તા.૨૧મી એપ્રિલના રોજ વ્યારા ખાતે સીટી સ્કેનમાં કોરોના પોઝીટીવ આવતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ચાર દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરીને ૧૫ લિટર ઓકિસજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં ડો.અશ્વિન વસાવા તથા તેમની ટીમની રાત-દિવસની મહેનતના કારણે આ શકય બન્યું છે. આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, નર્સીગ એસો.ના પ્રમુખ કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ તથા હેલ્પ ડેસ્કના નગરસેવક હિમાંશુ રાઉલજીએ અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500