રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨મી માર્ચ દાંડીકૂચ દિવસના રોજ સમગ્ર રાજ્યમાં ૭૫ જેટલા કાર્યક્રમો કરીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે તાપી જિલ્લામાં પણ મુખ્ય મથક વ્યારા અને વાલોડ તાલુકાના વેડછી ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના આયોજન અંગે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી હતી.
બેઠકમાં નક્કી થયા મુજબ "કોરોના"ના સંભવિત સંક્રમણને ધ્યાને લેતા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. આ અંગે માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ વર્તમાન કોવિદ-૧૯ના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ઉજવણી દરમિયાન ખુબ જ સાવચેતી અને સલામતી સાથે સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે તેમ જણાવી સભામંડપ, સ્ટેજ, બેઠક, સાંસ્કૃતિક કાર્યક્રમ, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ, વીજળી, પાણી, આરોગ્ય, સેનેટાઈઝ, સામાજિક જાગૃતિ માટે સાયકલ/બાઈક રેલી, સ્વચ્છતા ઝુંબેશ સહિત સુચારૂ આયોજન માટે સબંધિત અધિકારીઓને રચનાત્મક સુચનો કર્યા હતા.
તેમણે ખાસ કરીને "કોવિદ-૧૯" સંદર્ભે મળેલી ભારત સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ નિયત પ્રોટોકોલ સાથે કાર્યક્રમની ગરિમા મુજબ ઉજવણી કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, જિલ્લા પોલિસ વડા સુજાતા મજમુદાર, નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, ડીઆરડીએ ડાયરેક્ટર નિનામા, પ્રાંત અધિકારી હિતેન્દ્ર જોષી, ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, પ્રા.શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ મામલતદાર /તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500