વરસાદ ખેચાઈ જવાને કારણે તંત્ર તેમજ ધરતી પુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને તંત્ર વાહકો દ્વારા ડેમમાં પાણી સંગ્રહ કરવાનો નિર્ણય લેવાયામા આવ્યો હતો. તંત્ર અને ખેડુતોની ચિંતા વચ્ચે પાછલા એક સપ્તાહથી સુરત, દક્ષિણ ગુજરાતની સાથે તાપી નદીના ઉકાઈ ડેમમાં આવેલા ઉપરવાસમાં મેઘરાજા મહેરબાનની ધોધમાર વરસાવાની શરુઆત કરતા ધરતી પુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અને ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ઉકાઈ ડેમમાં ઠલવાતા ડેમની સપાટીમાં તબક્કાવાર રીતે વધારો થઈ રહ્યો છે અને આઠ દિવસમાં ૧૦ ફુટના વધારા સાથે ઉકાઇ ડેમની સપાટી હવે રૂલ લેવલ સુધી પહોંચી ચુકી છે. આજે બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ ૩૪૦ ફુટને પાર કરી ૩૪૦.૨૩ ફુટે પહોંચી છે. પ્રકાશા અને હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે ડેમમાં ઇનફલો ૧.૨૭ લાખ નોંધાવા પામ્યો છે. જેની સામે ૨૨ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં યથાવત રાખવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આજે બપોરે બાર વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૩૪૦.૨૩ ફુટે પહોચી હતી અને ડેમમાં ૧,૨૭,૫૨૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી તેની સામે ડેમમાંથી ૨૨ હજાર ક્યુસેક પાણી છોડવાનુ યથાવત રાખવામાં આવ્યું છે જયારે સવારે આઠ વાગ્યે હથનુર ડેમની સપાટી ૨૧૧.૬૨૦ મીટર નોઘાવાની સાથે ડેમમાંથી ૨૯,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પ્રકાશા ડેમની સપાટી ૧૦૭.૫૦૦ મીટર અને ડેમમાંથી ૯૭,૮૭૯ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાદરવાના પ્રારંભ સાથે હવામાન વિભાગની આગાહી અક્ષરશઃ સાબિત થઇ રહી હોય તેમ જણાઇ રહ્યું છે. પાછોતરા વરસાદને પગલે ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાતા ધરતીપુત્રો પણ ગેલમાં આવી ગયા છે. બીજી સપ્ટેમ્બરે ઉકાઇ ડેમની સપાટી ૩૩૦ ફુટે પહોંચી હતી જે ગઇકાલે એટલે કે આઠ દિવસમાં ૧૦ ફુટના વધારા સાથે રૂલ લેવલ ૩૪૦ ફુટને વટાવી ગઇ હતી. આજે પણ ઉકાઇ ડેમના ઉપરવાસમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વચ્ચે ડેમમાં ઇનફલો ૧.૨૭ લાખ ક્યુસેકની ઉપર પહોંચ્યો છે. સતત પાણીની આવક અને ડેમની સપાટીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા પણ હાલ ૨૨ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ અને આવકને ધ્યાને રાખીને એક લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500