સુર્યવંશી મનિષા/વ્યારા : સોનગઢ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ફોર વ્હીલ રીનોલ્ટ ડસ્ટર કારમાં દારૂનો જથ્થો ભરી સોનગઢથી વ્યારા પસાર થનાર છે અને તે કારને એક સફેદ કલરની ફોર વ્હીલ હુન્ડાઈ કારનો ચાલક પાઈલોટીંગ કરી પાસ કરાવનાર છે જે બાતમીનાં આધારે પોલીસે ડોસવાડા ગામની સીમ માંથી પસાર થતો સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-53 પર વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી ગાડીઓ આગળ-પાછળ આવતા જોઈ પોલીસે બેટરી તથા લાકડીના ઈશારે ગાડીઓ ઉભી રાખવાનો ઈશારો કરવા છતાં બંને કાર ચાલકો પોતાના કબ્જાની કાર વ્યારા તરફ હંકારી લઈ જતા પોલીસે તેમનો પીછો કરતા કાર ચાલકોએ ખેરવાડ જતા રોડના બ્રીજ નીચેથી પરત સોનગઢ તરફ પોતાની ગાડીઓ હંકારી જઈ ત્યાંથી તાડકુવા ગામની સીમમાં ભગવતી નગર સોસાયટી સામે નેશનલ હાઈવે પર ભાગતા હતા.
તે સમયે પોલીસે પોતાના વાહનની આડશ કરી બંને કારનાં ચાલકને રોકી લીધા હતા જેમાં રીનોલ્ટ ડસ્ટર કાર નંબર જીજે/16/બીજી/7861નો ચાલક ગાડી રોડ પર મૂકી અંધારાનો લાભ ઉઠાવી ખેતરોમાં ભાગી ગયો હતો, જ્યારે હુન્ડાઈ કાર નંબર જીજે/01/એચએક્સ/4803 જે પાઈલોટીંગ કરી રહી હતી તેના ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે ઝડપી પાડેલ ઈસમને તેનું નામ પૂછતા તેને પોતાનું નામ સુરેશભાઈ ઈશ્વરભાઈ ગાવીત (રહે.દેવળ ફળિયું, ત્રણ બંગલા પાછળ,નવાપુર) જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુરના જુના આર.ટી.ઓ પાસેથી પંકજભાઈ નામદેવભાઈ સોનાવણે (રહે.નવાપુર) એ ભરાવી આપ્યો હતો પરંતુ વ્યારાથી આગળ કોને આપવાનો હતો તેની જાણ ઈસમ પાસે હતી નહિ.
ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમને સાથે રાખી રીનોલ્ટ ડસ્ટર કારમાં તપાસ હાથ ધરતા કારમાંથી ભારતીય બનાવટની ઈંગલીશ દારૂની અલગ-અલગ બ્રાંડની કુલ 1509 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,83,300/- હતી. આમ, પોલીસે ઈંગલીશ દારૂની બોટલો, 3 નંગ મોબઈલ અને 2 ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા 8,89,300/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે રીનોલ્ટ ડસ્ટર કારનો ચાલક અજય ઉર્ફે અજય ટેલર અને દારૂ ભરવી આપનાર પંકજ નામદેવ સોનાવણેના ઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500