Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને અગોતરૂ આયોજન કરવા સુચના અપાઈ

  • March 20, 2021 

તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ તથા પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોને અગ્રતા આપી લોક્પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલ લાવવા તેમજ આગામી ઉનાળામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે સબંધિત અધિકારીઓને તાત્કાલિક અગોતરૂ આયોજન કરવાની સુચના આપી હતી.

 

 

 

 

બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાએ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતને લગત પ્રશ્નોને સમયમર્યાદામાં ઉકેલવાની બાબત પર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને જણાવ્યું હતું.  

 

 

 

 

ભાગ-૨ની બેઠકમાં નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, સરકારી લેણા વસુલાત બાબત કામગીરીને ગંભીરતાથી કલેક્ટરશ્રીએ અધિકારીઓને સુચનો કર્યા હતા. આ ઉપરાંત આગામી બે વર્ષમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, નિકાલ માટેના બાકી કાગળો, વસુલાત, ખાતાકિય તપાસ  બાબતે હાથ ધરવામાં  આવેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.

 

 

 

 

આ સાથે બેઠકમાં કલેક્ટરશ્રીએ વર્તમાન કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, આયુર્વેદ ઉકાળાનું વિતરણ, કોરોના રસીકરણ બાબતે વિસ્તૃત સમીક્ષા કરીને તાપી જિલ્લાને કોરોનાથી મુક્ત રાખવા માટે  દરેક કામ ટીમવર્કથી અને સમયસર કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું.

 

 

 

 

બેઠકની શરૂઆતમાં કલેક્ટરશ્રીએ નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાનું જિલ્લા વહીવટીતંત્ર વતી સ્વાગત કર્યુ હતુ. બેઠકમાં નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે નિનામા, વ્યારા પ્રાંત હિતેષ જોષી, નિઝર પ્રાંત મેહુલ દેસાઈ, નાયબ પોલિસવડા એ.કે.પટેલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શ્રીડોઢીયા, ઈ.ચા.નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલશ્રી સતીષ ગામીત સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application