વાલોડ તાલુકા મથકે કાર્યરત વાલોડ દૂધ મંડળીમાં દૂધ ભરવાને લઈ સભાસદો, હોદ્દેદારો અને કર્મચારીઓ વચ્ચે મતભેદ સર્જાયો છે. ગત તા.24 જુનના રોજ દૂધ મંડળીની કારોબારી મળી હતી, જેમાં સુમુલ તરફથી દૂધ ભરવાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હોય દૂધ ભરવાનો સમય સાંજે 6 થી 8 દરમિયાનનો નિર્ણય કરાયો હતો.
આ અંગે જાણ કરતી નોટીસ વાલોડ દૂધ મંડળીએ કચેરીના બોર્ડ પર મૂકી હતી અને સમય મર્યાદા નક્કી થયા પછી પણ અવાર-નવાર સભાસદોને સમયસર દૂધ ભરવા સૂચનાઓ અપાતી હતી. શનિવારના સાંજના 6 થી 7 સુધીમાં 26 સભાસદો અને 7 થી 8 સુધીમાં 126 સભાસદોએ દૂધ ભર્યું હતું, જયારે 10 જેટલા સભાસદો સમય કરતા મોડા પહોચ્યા હતા. જેમના દુધનો મંડળી દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જેથી નારાજ થયેલા સભાસદો પોતાનું દૂધ મંડળીના પરિસરમાં ઠાલવી વિરોધ કર્યો હતો.
સભાસદોએ જણાવ્યું હતું કે, હવામાન અને સમય બદલાતા સમય સાથે પશુઓ પણ ટેવાયેલ નથી, સમય પહેલા મંડળીમાં આવ્યા હોવા છતાં લાઈનમાં રાહ જોતા હોઈએ છીએ. આમ, છતાં દૂધનો સ્વીકાર કરાયો ન હતો કેટલાક સભાસદો પરત દૂધ લઈ ગયા તો કેટલાકે દૂધ મંડળીમાં ફેકી રોષ વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500