ઉચ્છલના સાકરદા ગામ પાસે ગત એપ્રિલ માસમાં એક ટ્રકની અડફેટે આવી ગયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે બાઈક ચાલકના બ્લડ સેમ્પલની તપાસણી કરવામાં આવતાં એમાં આલ્કોહોલની હાજરી જણાઈ આવતાં મરણ પામનાર બાઈક ચાલક સામે આઈપીસી 185 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મૂળ નવાપુર તાલુકાના ડુડીપાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી કવાટર્સમાં રહેતા, પ્રદીપભાઈ સખારામભાઈ કોકણી (ઉ.વ.52) કેન્દ્રમાં જ કામદાર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ ગત 25મી એપ્રિલે પોતાની બાઈક લઈ સોનગઢ ખાતે રહેતા ભાણેજને મળવા માટે આવવા નીકળ્યા હતા. આ બાઈક સોનગઢ-નવાપુર હાઇવે પર આવેલ સાકરદા ગામની સીમમા થઈ પસાર થતી હતી. તે સમયે એક ટ્રક ચાલકે તેને અડફેટે લીધી હતી.
આ અકસ્માતના બનાવમાં પ્રદીપભાઈને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને આ સંદર્ભે જે તે વખતે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રદીપભાઈનું પીએમ કરતી વખતે મેડીકલ ઓફિસર દ્વારા આલ્કોહોલની ચકાસણી માટે બ્લડ સેમ્પલ લેવામાં આવી સુરત FSLમાં મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલનું FSL ટીમે પૃથકરણ કરી રિપોર્ટ મોકલ્યો હતો અને આ રિપોર્ટમાં મરણ પામનારના બ્લડ સેમ્પલમાં આલ્કોહોલની હાજરી જણાઈ આવી હતી.
આ આધારે ડેડબોડીનું પીએમ કરનાર મેડિકલ ઓફિસરે પીએમ રિપોર્ટમાં આલ્કોહોલની હાજરી હોવાનું લખી આપ્યું હતું. ઉચ્છલ પોલીસે પીએમ રિપોર્ટના આધારે મરણ પામનાર પ્રદીપ સખારામ કોંકણી સામે એમવીએ એક્ટ 185 પ્રમાણે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500