તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સ તથા બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ત્રીજો તબક્કો શરૂ થઈ ચુક્યો છે જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે બીજી વાર કોરોના વેક્સિનનો ડોઝ લઈને પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. સાથે તેઓએ ફરી એક વાર લોકોને સંદેશ આપ્યો છે કે કોવિડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે તથા તે કોરોના સામે રક્ષણ આપતુ કવચ પુરવાર થયુ છે. વધુમાં તેમણે ફરી વાર વેક્સિન લો, સુરક્ષિત રહોની વાત કરી હતી.
ડો. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ 45 થી 60 વર્ષ સુધીના કો-મોરબીડ કે જેઓ ડાયાબિટીસ, હાયપટેન્શન, હ્રદયરોગ વિગેરે જેવી બીમારીથી પીડાતા હોય એવા તમામ લાભાર્થીઓને સરકારી સંસ્થા ખાતે આયોજનબદ્ધ રીતે પૂર્વનિયોજીત, સમયે અને સ્થળે વિના મૂલ્યે રસી આપવાની કામગીરી કરવામાં આવશે. કોવિડ-19 વિરોધી રસી મૂકવાની કામગીરી જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ જેવી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા જિલ્લા હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ પર વિના મૂલ્યે તેમજ ખાનગી/ટ્રસ્ટ હોસ્પિટલ જનક સ્મારક હોસ્પિટલ વ્યારા અને મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, કાકરાપાર બાયપાસ રોડ, વ્યારા ખાતે સરકારશ્રી દ્વારા નક્કી કરેલ 250/- રૂપિયા ભરી કોવિડ-19 વિરોધી રસી લઈ શકાશે. વધુ માહિતી માટે તેમણે ગામના આશા બહેન, એ.એન.એમ- સિસ્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500