Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત સરકારના ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાનું ઇ-ગ્રામથી ડિજીટલ સેવા સેતુ તરફ પ્રયાણ

  • July 08, 2021 

તાપી જિલ્લામાં છેવાડાના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓનો સીધો લાભ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ છે. તાપી જિલ્લાને અર્બન જિલ્લાઓની હરોળમાં લાવવા માટે ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આવરી લેવા જિલ્લા પંચાયતના વહીવટી વિભાગે પ્રારંભ કરી દીધો છે. તાપી જિલ્લાની કુલ- ૨૯૧ ગ્રામ પંચાયતો પૈકી હાલ ૨૮૬ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામની સુવિધાઓ ચાલુ છે. જેમાં ૨૫૫ વીસીઇની નિમણુંક કરી (વીલેજ લેવલ કોમ્પ્યુટર એન્ટરપ્રીનોર) ગામના શિક્ષિત યુવાનો રોજગારી આપવામાં આવી રહી છે.

 

 

 

 

ડિજીટલ સેવા સેતુ (DSS) અંતર્ગત જિલ્લાના તમામ ઇ-ગ્રામ સેવા કેન્દ્રો ઉપર હાઇસ્પીડ કનેક્ટીવીટીની સુવિધા આપી મહત્તમ સેવાઓ પુરી પાડવાનું આયોજન છે. તે પૈકી પ્રથમ તબક્કે જિલ્લામાં ત્રણ હજારથી વધુની વસ્તીવાળા ૬૪ ગામો પૈકી ૫૧ ગામોને આ યોજના હેઠળ અદ્યતન કરવામાં આવશે. કુલ-૫૧ ગ્રામ પંચાયતોને ડિજીટલ બનાવવાના ભાગરૂપે ઓપ્ટીક ફાઈબર નેટવર્ક અને નેટ કનેક્ટીવીટી સ્પીડ-સ્ટેબીલીટી આપીને અદ્યતન ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી તમામ સેવાઓ લોકોને ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે તાપી જિલ્લા પંચાયત દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

 

 

 

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ પંચાયત સેવાઓની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, દરેક તાલુકાઓના મોટા ગામો પસંદ કરીને કુલ ૫૧ ગ્રામ પંચાયતોને અદ્યતન બનાવવા માટે સબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. દરેક ગ્રામ પંચાયતોમાં ખૂટતી ક્ડી અંગે સર્વે કરીને વિગતો એકત્રિત કરાશે.

 

 

 

 

હાલમાં ઇ-સેવા કેન્દ્રો મારફતે સરકારની કુલ ૫૫ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. તે પૈકી આવકના દાખલા, ૭/૧૨ અને ૮-અ, રેશનકાર્ડમાં સુધારા-વધારા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, ગંગાસ્વરૂપ યોજના અંગેની અરજીઓ, સિનિયર સિટીઝન પ્રમાણપત્રની સેવાઓ જેવી ૨૨ જેટલે સેવાઓ હાલ ઉપલબ્ધ છે. જયારે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સરકારની બધી જ સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે ગ્રાસરૂટ લેવલથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

 

 

 

હાલમાં ૨mbpsની સ્પીડ છે જેની જગ્યાએ આ પ્રોજેકટથી ખુબ ઝડપી રીતે આ ગામડાઓમાં ભારત નેટ ફેસ-૨ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત ફાયબર ગ્રીડ નેટવર્ક દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં આગામી બે મહિનામાં ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કની સુવિધા ઉપલબ્ધ થઇ જશે. જેનાથી ડીએસએસની સેવાઓ તમામ ગ્રામ પંચાયતોમાં ૧૦૦mbpsની સ્પીડ સાથે ઈન્ટરનેટ ક્નેક્ટીવીટીની સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે ૫૧ ગ્રામ પંચાયતો મોડેલ ઈ-ગ્રામ બની રહેશે. ડીજીટલ સેવાસેતુ દ્વારા લોકોને સ્થાનિક કક્ષાએ સેવાઓ મળતા નાણા અને સમયનો બચાવ થશે. ટેકનોલોજીના ઉપયોગથી તાપી જિલ્લો શહેરી વિસ્તાર સમકક્ષ ઝડપી સેવાઓ મેળવતો જિલ્લો બની જશે.

 

 

 

 

જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોના હયાત મકાનો છે ત્યાં ફર્નિચર, હાર્ડવેર પુરા પાડવામાં આવશે. જ્યાં મકાનો નથી ત્યાં નવા મકાનો બનાવવા ઉપરાંત નાગરિકો માટે શુધ્ધ પીવાનું પાણી અને બેઠ્કની સુવિધા, વિવિધ યોજનાઓના ફોર્મ સહિત યોજનાકિય સાહિત્ય પુરુ પાડવામાં આવશે. આ કામગીરી માટે ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ, આયોજન, જિલ્લા પંચાયતની વિવેકાધીન તથા મનરેગાની ગ્રાંટ કન્વર્ઝન કરીને નાણાંનો ઉપયોગ કરીને ગ્રામપંચાયતોના જનસેવા કેન્દ્રોને અત્યાધુનિક બનાવવામાં આવશે.

 

 

 

 

હાલમાં તાપી જિલ્લામાં આ ડ્રીમ પ્રોજેકટ હેઠળ ૫૧ જેટલા જેટલા ગામો કે જ્યાં આંગણવાડી, શાળા, ઉદ્યાન, આર્થિક ઉપાર્જન જેવા રચનાત્મક કાર્યો હાથ ધરાશે. ઈ-ગ્રામ અદ્યતન થતા તાપી જિલ્લાની આગવી ઓળખ બની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application