વાલોડ નગરમાં સહકારી ગ્રાહક ભંડારની ચાર દુકાનો આવેલી છે. જેમાં વાલોડ, કોસંબીયા તેમજ નાલોઠા ગામના લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજનો જથ્થો મળે છે. ઓગસ્ટ માસમાં વિતરણ મોડું શરૂ થતા લાભાર્થીઓ વહેલી સવારથી વાલોડ ખાતે આવેલી સહકારી ગ્રાહક ભંડારની દુકાને પહોંચ્યા હતા. ત્યારે ગત તા.27મી ઓગસ્ટથી શરૂ થયેલી અનાજનું વિતરણ 31મી ઓગસ્ટ સુધી નિયમિત થયું હતું.
પરંતુ વિતરણ મોડું શરુ થતા મુદ્દત 5 સપ્ટેમ્બર સુધી લંબાવી ઓગસ્ટ માસનું બાકી અનાજ 5મી સપ્ટેમ્બર સુધી મળી જવાની સત્તાધીશોએ કહ્યું હોય જેને લઈ ઓગસ્ટ માસનું અનાજ લેવામાં બાકી રહેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ગ્રાહક ભંડારની દુકાને પહોંચતા ઓપરેટર કે જવાબદારીએ યોગ્ય જવાબ ન આપતા લાભાર્થીઓ પોતાના હક્કનું અનાજ મેળવવાની રજુઆતને લઈ વાલોડ મામલતદાર કચેરીએ પહોંચી લેખિત આપ્યું હતું.
વધુમાં સુત્રોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન સ્ટોક મેન્ટેન ન થતા જથ્થો ન બતાવતા કુપનો નીકળી શકી ન હતી અને જેને લઈ લોકોએ હંગામો મચાવવાનો શરુ કર્યો હતો. એક તરફ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણમાં ઓફલાઈનમાં અનાજ આપવાની જોગવાઈ ન હોઈ પરંતુ સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોડી સાંજે વહીવટ તંત્રે તકેદારી અધિકારીની નિયુક્તિ કરી હતી. તાલુકામાં દુકાન દીઠ અધિકારીઓને હાજર રહી ઓફલાઈન વિતરણ વ્યવસ્થા કરવા માટેના ઓર્ડર કરવાની પ્રકિયા તંત્રે શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500