તાપી જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુંટણીમાં જિલ્લા પંચાયતની કુલ ૨૬ તાલુકા પંચાયતની કુલ ૧૨૪ બેઠકો માટે પુરૂષ મતદારો ૨૮૬૫૯૪ અને સ્ત્રી મતદારો ૨૯૮૮૨૭ મળી કુલ-૫૮૫૪૨૧ મતદારો મતદાન કરશે. વ્યારા નગર પાલિકાની ૨૮ બેઠકો માટે પુરૂષ મતદારો ૧૬૨૦૬ અને સ્ત્રી મતદારો ૧૬૪૭૧ મળી કુલ-૩૨૬૭૭ મતદારો મતદાન કરશે. જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારે સુરક્ષાનો પૂરતો પ્રબંધ કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લામાં આજે યોજાનાર વ્યારા નગરપાલિકા-જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ-૭૩૩ અને નગરપાલિકામાં ૩૩ મળી કુલ-૭૬૬ જેટલાં મતદાન મથકોએ યોજાનારા મતદાન માટે નગર પાલિકામાં ૪૦-કંટ્રોલ યુનિટ અને ૮૦-બેલેટ યુનિટ તથા જિલ્લા/તાલુકા પંચાયત માટે કુલ-૧૬૭૮ કન્ટ્રોલ યુનિટ અને ૧૬૭૮ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવામાં આવશે.
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કુલ ૪૭૮૫ પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત કરાયા છે. જિલ્લામાં કુલ ૧૨૪ રુટ બનાવીને ૭૯ એસ.ટી બસ, ૧૬ મીની બસ અને ૩૧૦ ખાનગી વાહનોને ઉપયોગમાં લેવાયા છે. જિલ્લામાં ૩૦ અતિસંવેદનશીલ મતદાન મથકો અને ૬૬ સંવેદનશીલ મતદાન મથકો સાથે કુલ ૭૬૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
આ તમામ મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાનો પૂરતો પ્રબંધ કરાયો છે જેમાં ૬૧૪ જેટલા પોલીસ જવાનો, ૩૦-હથિયારધારી જવાનો, હોમગાર્ડ અને ગૃહ રક્ષક દળના-૮૩૫ જવાનો મળી કુલ ૧૪૭૯ જેટલા પોલિસ કર્મીઓ ફરજ બજાવશે.
ચૂંટણીના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને તે દ્વારા મુક્ત, ન્યાયી તથા તટસ્થ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ મતદાનના દિવસે ઝોનલ અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફની વ્યવસ્થા ઉપરાંત શહેર અને જિલ્લાના મતદાન મથકો સહિત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે લોકશાહીના આ પર્વની ઉજવણીમાં જિલ્લાના તમામ મતદારોને નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જે.હાલાણીએ ખાસ અનુરોધ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500