સુરતના બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-53 ઉપર શાકભાજી લઈને જઈ રહેલ ટેમ્પો પલ્ટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચતા તે પણ ચોંકી ઉઠી હતી. શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પલ્ટી ગયેલ ટેમ્પામાંથી શાકભાજીની નીચે સંતાડેલ વિદેશી દારૂની કુલ 1344 નંગ બોટલ મળી આવી હતી. અકસ્માત બાદ ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 3,14,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારાથી બારડોલી જતાં નેશનલ હાઈવે-53 ઉપર માણેકપોર ગામની સીમમાં ગુરુકૃપા હોટલની સામે આજરોજ વહેલી સવારે શાકભાજી ભરેલ છોટા હાથી ટેમ્પો પલ્ટી ગયો હતો. અકસ્માત સર્જાતા ચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. ટેમ્પામાં ભરેલ શાકભાજી રોડ ઉપર વેરવિખેર થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બારડોલી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને પલ્ટી ગયેલ છોટા હાથી ટેમ્પા નંબર જીજે/19/યુ/0773માં ભરેલ શાકભાજીનો જથ્થો હટાવતા જ તેમાંથી 28 પૂઠઠાના બોક્ષ મળી આવ્યા હતા ત્યારબાદ તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 1344 કિંમત રૂપિયા 1,34,400/-નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અકસ્માતમાં વિદેશી દારૂની કેટલીક બોટલો ફૂટી ગઈ હતી. પોલીસે વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 3,14,400/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500