સુરતના મોટા વરાછામાં એક જ રાતમાં અજાણ્યા તસ્કરોએ આતંક મચાવ્યો છે. અમરોલી પોલીસ સઘન પેટ્રોલિંગના બણગાં ફૂંકી રહી છે ત્યારે અમરોલી પોલીસના પેટ્રોલિંગના તસ્કરોએ લીરેલીરા ઉડાવી દીધા છે. એક જ રાતમાં એક જ સ્થળેથી અજાણ્યા તસ્કરોએ પાંચ દુકાનના અને ગોડાઉનના તાળા તોડી રોકડા રૂપિયા તથા અલગ-અલગ સરસામાન મળી કુલ રૂપિયા ૨.૭૭ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા છે. બનાવને પગલે બીજા દિવસે સવારે દુકાનદારોને જાણ થતા તેઓએ અમરોલી પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ચોર ઇસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટા વરાછા મહારાજા ફાર્મની બાજુમાં આવેલ રાધિકા રેસિડેન્સીમાં રહેતા પંકજભાઇ તુલસીભાઇ બલ્લુર લેઉવા પટેલ પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટાવરાછા ડી-માર્ટની પાછળ સુમન સુરજ આવાસ યોજનાની બાજુમા શ્રીસાંઇ નામના કેમ્પસમાં તેઓએ ગોડાઉન ધરાવે છે. ગતરોજ રાત્રે તેઓ ગોડાઉન બંધ કરી ઘરે પરત આવી ગયા હતા. ત્યારે મોડી રાત્રીના સમયે કોઇ અજાણયા ઇસમોએ તેમના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. ચોર ઇસમોએ ગોડાઉનનું શટર ઉંચું કરી ઓફીસમાં લોખંડનુ લોકર તોડી બે લાખ રોકડા, તથા મોબાઇલ અને પાવર બેન્કની ચોરી કરી હતી.
આ ઉપરાંત ચોર ઇસમોએ દર્શનભાઇ બાબુભાઇ અજુડીયાની રાધે મોટર્સ વર્ક શોપમાંથી ૨૫ હજાર કિંમતની ફોરવહીલ ગાડીની સાત અલગ-અલગ કંપનીની બેટરીઓ, લોખંડ કટીંગ ગ્લાનઇન્ડઇર, અનિલકુમાર જયંતિભાઇ વેકરીયાની અન્નલદાતા ઓર્ગેનિક નામના દવાના ગોડાઉનમાંથી વન પ્લસનુ બ્લયુટુથ, એપ્પલના એરપોડ, ટેબલના ખાનામાંથી ત્રણ હજાર રોકડા, અખિલભાઇ જગદીશભાઇ કાપડીયાની ધ લકઝરીયર ઓટો મોટીવ નામના કાર વર્ક શોપમાંથી એચ.પી કંપનીનુ જુનુ લેપટોપ, ફોરવ્હીનલ સ્કેનર મશીન, ચાર નંગ ફોર વ્હીલરોની બેટરી અને મિલનભાઇ સુભાષભાઇ હીરાણીની ભકિત ફેબ્રીકેશન નામની દુકાનમાંથી બે લોખંડના ગ્રીલ મશીન, બે લોખંડ ગ્લાઇન્ડકર મશીન મળી કુલ રૂપિયા ૨.૭૭ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે અમરોલી પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500