સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા વકીલનો સચીન સુડા હાઉસીંગ પ્રોજેક્ટમાં આવેલ પ્લોટ બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અલથાણ સોમેશ્વરા સર્કલ આગમ હેરીટેજમાં રહેતા એડવોકેટ જયવદન ભગવાનદાસ ચેવલી સલાબતપુરા સીંગાપુરીની વાડી નજીક મલ્ટીસ્ટોરીએટ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવે છે. જયવદને સન ૧૯૯૮માં પત્ની ઉષાબેનના નામે સચિન સુડા હાઉસીંગ પ્રોજેક્ટનો પ્લોટ નં.૧૩ ખરીદયો હતો. ચારેક વર્ષ અગાઉ આ પ્લોટ વેચવા માટે પ્લોટની બાજુમાં દુકાન ધરાવતા અંબારામ મારવાડીને જાણ કરી હતી.
પરંતુ ભાવતાલમાં વાંધો પડતા પ્લોટ વેચ્યો ન હતો. દરમિયાનમાં ઓક્ટોબર ૨૦૨૦માં જયવદન તેના પુત્ર સાથે પ્લોટ જોવા ગયા ત્યારે ત્યાં બાંધકામ ચાલુ હતું. બાંધકામ અંગે તપાસ કરતા મેજર બાબુરામ ચિત્તોડીયાના પિતાઍ પ્લોટ ખરીદયો હતો અને વેચાણ દસ્તાવેજ રાજુ ભરવાડે કરી આપ્યો હતો.
દસ્તાવેજમાં નામ ઉષાબેનનું હતું પરંતુ ફોટો અન્ય કોઇ વ્યક્તિનો હતો અને સાક્ષી તરીકે મેહુલ મોઢવડીયાની સહી હતી. આ અંગે વકીલ જયવદને અઠવાડિયા અગાઉ સચિન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમયાન રાજુ ઉર્ફે બુધો હમીર ભરવાડ (ઉ.વ. ૩૪ રહે. સત્ય નગર, કામરેજ) અને સાક્ષી મુકેશ ઉર્ફે મુકો મધાભાઇ મેર (ઉ.વ. ૨૬ રહે. મોચી શેરી, ઉમરાળા, ભાવનગર) ની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં વકીલની ઓફિસમાં ચોરી થઇ હતી ત્યારે ડોક્યુમેન્ટ્સની ચોરી કરી હતી કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500