સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા મિકેનિકલ એન્જીનીયરને ગુગલ પર પાર્ટ ટાઈમ જોબ શોધવાનું રૂપિયા 79802માં પડયું હતું. આર્થિક સ્થિતી સારી ન હોય એન્જીનીયરે પાર્ટ ટાઈમ જોબ માટે સર્ચ કર્યા બાદ વ્હોટ્સએપ પર અજાણ્યાએ મેસેજ કરી બાદમાં લીંક મોકલી શરૂઆતમાં નાની વસ્તુની ઓનલાઇન ખરીદી કરાવી તે રકમથી વધુ રકમ પરત કરી લલચાવ્યા બાદ મોંઘી વસ્તુની ખરીદી કરાવી રકમ પરત મેળવવા રૂપિયા 26 હજાર માંગ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લીંબાયત રામમંદિરની બાજુમાં શ્રીજીનગર 2 કમલાબા ગાર્ડન સોસાયટી પ્લોટ નં.18માં રહેતો મિકેનિકલ એન્જીનીયર વિનાયક જીતેશચંદ્ર વડોલીવાલા (ઉ.વ.23) સચીન ગભેણી ખાતે કંપનીમાં નોકરી કરે છે. આર્થિક સ્થિતી સારી ન હોય વિનાયકે પાર્ટ ટાઈમ જોબ માટે ગત 1 જૂનના રોજ ગુગલ પર સર્ચ કર્યું હતું. ત્યારબાદ 26 જૂનના રોજ તેને એક મોબાઈલ નંબરથી વ્હોટ્સએપ મેસેજ મળ્યો હતો કે, અરજન્ટ હાયરીંગ ( રેગ્યુલર જોબ ) યુ ઓન્લી નીડ અ મોબાઈલ ફોન ટુ ગેટ 2000-12000 અ ડે એનીટાઇમ ફોર મોર ડિટેઇલ કોન્ટેક. આથી વિનાયકે તે વ્યક્તિ સાથે વાત કરતા તેણે વ્હોટ્સએપ પર એક લીંક મોકલી હતી. તેમાં વિનાયકનું નામ, મોબાઈલ નંબર હતા. તેમાં આગળ વધતા તેના નામે એક એકાઉન્ટ બન્યું હતું.
ત્યારબાદ તે વ્યક્તિએ મોકલેલી બીજી લીંક ક્લિક કરતા એક નંબરથી વ્હોટ્સએપ ઓપન થયું હતું અને મોબાઈલ નંબર નાખતા થર્મોમીટર ઓનલાઇન ખરીદવા પેજ ઓપન થયું હતું. વિનાયકે ગુગલ પે થી રૂપિયા 198 ચૂકવતા થર્મોમીટર તેના એકઉન્ટમાં દેખાવા માંડયું હતું અને થોડી વારમાં એકાઉન્ટમાં રૂપિયા 237 પરત આવતા વિનાયકે તે પૈસા પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. વિનયાકે ત્યારબાદ વધુ એક વસ્તુ ખરીદતા તેનાથી વધુ રકમ પરત આવી હતી. તે પણ તેણે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. બાદમાં મોંઘી વસ્તુ એકાઉન્ટમાં દેખાતા વિનાયકે ખરીદી હતી પણ તેના પૈસા પરત નહીં આવતા પૂછ્યું તો વધુ 5 વસ્તુ ખરીદવા અને તે ખરીદ્યા બાદ પૈસા પરત લેવા રૂપિયા 26 હજારનું રિચાર્જ કરવા તેને કહેવાયું હતું. આમ, રૂપિયા 79,802/-ની ખરીદી કર્યા બાદ પોતે છેતરાયો છે તેવું લાગતા વિનાયકે પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે લીંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500