Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.૪૫ કરોડના વિકાસ કામોને રાજ્ય સરકારે મંજૂરી આપી

  • January 21, 2021 

વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૬.૩૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું. 

 

 

મંત્રીશ્રીએ માંગરોળ તાલુકાના કંટવાવ ગામે રૂ.૪૭ લાખના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સ્ટેટ હાઈવેને જોડતાં  રિસર્ફેસિંગ થયેલાં એપ્રોચ રોડ, રૂ. ૫૬ લાખના ખર્ચે આંબાવાડી-ખાડીપાર રોડ, રૂ.૪૭ લાખના ખર્ચે ભીલવાડા-પાણીઆમલી રોડ, રૂ.૫૮ લાખના ખર્ચે મોટીફળી-પાણીઆમલી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કોસાડી ગામે કિમ નદી પાસે રૂ.૪.૨૮ કરોડના ખર્ચે આદિવાસી ફળીયામાં ૫૮૦ મીટર લંબાઈની પુરસંરક્ષણ દિવાલનું મંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

 

 

આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે નાના અને અંતરિયાળ ગામોમાં પણ અનેકવિધ વિકાસકામોની સાથોસાથ પાકા રોડ રસ્તાની સુવિધા ઉભી કરી છે. ભુતકાળની સરકારમાં વિકાસકામોના નામે માત્ર હેન્ડ પમ્પ અને પાણીના ટેન્કર આપવામાં આવતા હતાં. આજે રાજ્ય સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને પશુપાલન જેવા અનેક ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના વિકાસકામો ઝડપભેર સાકાર કર્યા છે. રાજ્ય સરકારે વિકાસની યાત્રાને આગળ વધારતા માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.૪૫ કરોડના વિકાસકામોને મંજૂરી આપી હોવાનું તેમણે ગર્વથી જણાવ્યું હતું.

 

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રૂ.૫૭૦ કરોડની ગોરધા વડ કાકરાપાર ઉદ્દવહન સિંચાઈ યોજના સાકાર થતાં આદિવાસી ખેડૂતોના જીવન સમૃદ્ધિસભર બનશે. આ વિસ્તારના આસપાસના ૨૮ ગામોમાં પાણી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આવનારા દિવસોમાં રૂ.૪૫ કરોડના વધુ વિકાસકામો માટે રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવી આદિજાતિ વિસ્તારમાં પ્રત્યેક કિલોમીટરના વિસ્તારમાં વિકાસકામોની વણઝાર ચાલી રહી છે એમ જણાવી તેમણે આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકારની વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

 

આ વેળાએ મંત્રીશ્રીએ ગોરધા વડ કાકરાપાર ઉદ્દવહન સિંચાઈ યોજના હેઠળ લવેટ ગામે સિંચાઈનું પાણી આવી પહોંચતા તાપી મૈયાના નીરના વધામણા કર્યા હતા.

 

 

આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશ ગામીત, અગ્રણીશ્રી દિલીપસિંહ રાઠોડ, ચંદનબેન ગામીત સહિત સરપંચશ્રીઓ, ગ્રામજનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application