સુરત શહેરનાં અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતી બે પરિણીતાઓ વચ્ચે સામસામે જોવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા એક પરિણીતાનો પતિ બીજાના પતિને કહેવા જતા તેઓએ એલફેલ ગાળો આપી માર માર્યો હતો. જેથી ભોગ બનનાર પરિણીતાનો ભાઇ વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે તલવારના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવને પગલે ઇજાગ્રસ્ત યુવકે આ મામલે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલી કોસાડ આવાસમાં બિલ્ડીંગ એચ.૩માં નં.૨૪૦/બી/૧૦માં રહેતા ઇમ્તીયાઝ અબ્દુલ ઝબ્બાર રાયની બહેન ફલેટની બહાર ઉભી હતી. ત્યારે સામેના ફલેટમાં રહેતી આસ્મા પણ ઘરની બહાર નીકળતા બંનેની નજર મળી હતી. સામસામે જોવા જેવી નજીવી બાબતમાં આસ્માએ ઇમ્તિયાઝની બહેનને એલફેલ ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ વાત તેણીએ આવી ઘરે કરતા ઇમ્તિયાઝના બનેવી આસ્માનાં પતિ ફારુકને કહેવા માટે તેમના ઘરે ગયા હતા. જ્યાં ફારૂક તથા આસ્માએ ભેગા મળી ઇમ્તિયાઝના બનેવીને એલફેલ ગાળો આપી માર માર્યો હતો. આ વાતની જાણ થતા ઇમિયઝ તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો.
તે સમયે ફારુકે ઘરમાંથી તલવાર લાવી ઇમ્તિયાઝને માથાના ભાગે ગંભીર ઘા મારી દીધો હતો. બનાવને પગલે ઇમ્તિયાઝને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ઇમ્તિયાઝે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફારૂક અને આસ્મા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500