સુરતના પુણા વલ્લભનગર સોસાયટીમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા એક શ્રમજીવી યુવકને કોટક મહિન્દ્રા બેકમાંથી એજન્ટે રૂપિયા ૧.૮૧ લાખની પર્સનલ લોન કરાવી આપી હતી. પરંતુ એજન્ટે યુવકના એટીએમ કાર્ડ મારફતે અને સહી કરેલા ચેકો દ્વારા બારોબાર પૈસા ઉપાડી લીધા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણાગામ કારગીલ ચોક સ્થિત વલ્લભનગર સોસાયટીમાં રહેતા રોહીતભાઇ ભુપતભાઇ ગોરાસવા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુણા મુકુંદ સોસાયટીના ગેટ પાસે લારી ઉભી રાખી શાકભાજીનો ધંધો કરે છે અને પુણા રામદેવ પાર્કીંગમાં પોતાની લારી મુકે છે. ચાર મહિના પહેલા રોહીતભાઇને પૈસાની જરૂરીયાત ઉભી થતાં રામદેવ પાર્કીંગના વોચમેન અને યોગીચોક મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મનસુખભાઇને જણાવ્યુ હતુ. મનસુખભાઇએ પોતાના સાળા અને યોગીચોક માન સરોવર સોસાયટીમાં રહેતા જીગર હિમ્મત માંડકણા લોન કરાવી આપવાનો ધંધો કરે છે. તેવી માહિતી આપી તેની સાથે ઓળખાણ કરાવી હતી. જીગરે બેકમાં લોન પાસ કરાવી આપવાની બાંહેધરી આપી પાન કાર્ડ, આધારકાર્ડ, કોટક મહિન્દ્રા બેકની ચેકબુક, એસબીઆઇ બેકનો એટીએમ કાર્ડ સહિતના ડોકયુમેન્ટો તેમની પાસેથી લીધા હતા.
ત્યારબાદ કોટક મહિન્દ્રા બેકમાંથી રોહીતભાઇના નામ પર રૂપિયા ૧.૨૨ લાખની પર્સનલ લોન અને આઇફોન ફોન પર રૂપિયા ૫૯ હજારની લોન પાસ કરાવી હતી. પર્સનલ લોનના અને મોબાઇલના ૩૬ હપ્તા થકી પૈસા બેકમાં ભરવાના હતા. પર્સનલ લોનના રૂપિયા ૫,૫૧૯ અને મોબાઇલ લોનના રૂપિયા ૨,૪૯૬ નો હપ્તો નક્કી થયો હતો. જોકે, બેકમાં લોન પાસ થયાના રૂપિયા ૧.૮૧ લાખ જમા થયા હતા. પરંતુ રોહીતભાઇએ પોતાની પુણા પાટીયા ખાતે આવેલી એસબીઆઇ બેકના ખાતામાંથી પૈસા ઉપાડ્યા ન હતા. પરંતુ જીગરે તેમની જાણ બહાર પાંચ ચેકો પર કરેલી સહી અને એટીએમ મારફતે ખાતામાંથી રૂપિયા બારોબાર ઉપાડી લીધા હતા. આ અંગે રોહીતભાઇને જાણ થતાં જીગર પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારે બંને વચ્ચે સમાધાન થયુ હતુ. પરંતુ સમાધાન થયા પછીના બેંકના હપ્તા રોહીતે ન ભર્યા ના તો લોનના પૈસા પરત આપ્યા. આ બનાવ સંદર્ભે રોહીતભાઇએ છેવટે સરથાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500