સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ નવી કોર્ટ બિલ્ડિંગના ફાસ્ટ ટ્રેક બિલ્ડિંગમાંથી આરોપી નજર ચુકવી ભાગી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, ડીંડોલી દેલાડવા ગામ વુંદાવન રેસીડેન્સીમાં રહેતા કિશોરભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ફાસ્ટ ટેક કોર્ટ બિલ્ડિંગમાં સાતમા, અધિક સિવિલ જજ અને જ્યુડી.મેજી, ફક, કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરે છે જયારે ગતરોજ સાંજે આરોપી સંતોષ દગડુ દોડીસ (ઉ.વ.૪૫, રહે.ચેતનનગર સોસાયટી નવાગામ) એ સન-૨૦૦૭ના કેસમાં નોન બેલેબલ વોરંટ રદ કરાવવા માટે કોર્ટમાં આવ્યો હતો અન પોતાના વકીલ મારફતે અરજી કરી હતી. જોકે કોર્ટે આરોપી સંતોષની અરજી નામંજુર કરી જેલ વોરંટ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સંતોષને કોર્ટમાં એક જગ્યાએ બેસાડી લાજપોર જેલ ખાતે લઈ જવા માટે કોર્ટ ડ્યુટીની ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઉમેશભાઈ સોમાભાઈ મારફતે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી.
કિશોરભાઈ સહિતના માણસો કોર્ટના કામમાં વ્યસ્ત થતા આરોપી સંતોષ મોકાનો ફાયદો ઉઠાવી નજર ચુકવી ત્યાંથી નાસી ગયો હતો. દરમિયાન વરાછા પોલીસના માણસો આરોપી સંતોષની કસ્ટડી લેવા માટે આવ્યા ત્યારે આરોપી સંતોષ તેની જગ્યાએ મળી ન આવતા ભાગી ગયો હોવાનુ બહાર આવ્યું હતું. બનાવ અંગે કિશોરભાઈની ફરિયાદ લઈ પોલીસે સંતોષ દોડીસ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500