બારડોલી નગરમાં રખડતા ઢોર બાબતે SDM દ્વારા નગરપાલિકાને તેની જવાબદારી દર્શાવતો હુકમ જારી કરવામાં આવ્યો છે. જેમાં CRPCની કલમ 133 અને ગુજરાત નગરપાલિકા અધિનિયમના પ્રકરણ 13ની કલમ 238થી 245 સુધીની જોગવાઇઓ મુજબ ઢોર પકડવા અને ઢોરને સાર્વજનિક ડબ્બામાં પૂરી તેની સાચવણી કરવાની સત્તા નગરપાલિકાની હોવાનું જણાવ્યુ છે. બીજી તરફ જો બારડોલી પાલિકા રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો CRPC 133 મુજબ નગરપાલિકાને પક્ષકાર બનાવી કાર્યવાહી કરવામાં આવશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
બારડોલી શહેરમાં રખડતા ઢોરનો મુદ્દો વર્ષોથી વણઉકેલ્યો રહ્યો છે. શહેરના મુખ્યમાર્ગો પર ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. લોકોની રજૂઆતો બાદ થોડા સમય માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પણ પાલિકા પાસે ઢોરને પુરવા માટે ડબ્બા જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી કાગળ પર જ કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે બુધવારના રોજ બારડોલી SDM દ્વારા પાલિકાને રખડતા ઢોર બાબતે એક હુકમ જારી કરવામાં આવ્યો છે. જેમાં તેમણે નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાને પહેલા સંબંધિત પશુપાલકોને યોગ્ય પ્રચાર પ્રસાર કરી તેમને કાયદાની જોગવાઈથી અવગત કરાવવા, રખડતા ઢોરને ખસેડવા પૂરતો સમય આપવો અને પછી પણ જો ફરી વખત રખડતા ઢોર જોવાં મળે તો પોલીસ બંદોબસ્ત માગી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખી ઉપદ્રવ હટાવવા જણાવાયું છે.
આ ઉપરાંત રખડતા ઢોરને રાખવા માટે સાર્વજનિક ડબ્બાની વ્યવસ્થા કરવી અને જો ન હોય તો સ્વૈચ્છીક સંસ્થા અથવા સામાજિક સંસ્થાનો સંપર્ક કરી પકડેલા ઢોરની સાચવણી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જો પાલિકા રખડતા ઢોર બાબતે કાર્યાવહી કરવામાં નિષ્ફળ જાય તો CRPC 133 હેઠળ નગરપાલિકાને પક્ષકાર બનાવી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500