વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ આજરોજ માંગરોળ તાલુકાના કોસંબા અને પીપોદરા ગામે આયોજીત વેકસીનેશન કેમ્પની મુલાકાત લઈને વધુને વધુ લોકો વેકસીન લે તે માટે સૌને જાગૃત થવાનો અનુરોધ કર્યો હતો. પીપોદરા ખાતે આયોજીન કાર્યક્રમમાં મંત્રીના હસ્તે તાજેતરમાં કિમ પાસે આવેલા પાલોદ ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યૃ પામેલા ૧૫ જેટલા શ્રમિકોના પરિવારજનોને બે લાખ લેખે રૂા.૩૦ લાખની સહાયના ચેકો અર્પણ કરાયા હતા. ૧૫ શ્રમિકો પૈકી ૧૩ રાજસ્થાન અને બે મધ્યપ્રદેશના શ્રમિકોને રાજય સરકાર દ્વારા બે લાખ અકસ્માત સહાય એનાયત કરવામાં આવી હતી.
આ વેળાએ મંત્રીએ જણાવ્યું કે, કોરોના સામે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતોએ કોરોનાના ત્રીજા વેવની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે તેના પ્રતિકારરૂપે વધુમાં વધુ લોકો વેકસીન લે તે જરૂરી છે. પ્રથમ અને બીજી લહેરમાં રાજય સરકારે ઓકિસજન, બેડ, દવાઓ જેવા અનેક મોરચે મક્કમતાપૂર્વક કોરોનાનો સામનો કર્યો છે. આજથી રાજય સરકારે ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનો માટે રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ઓન ધ સ્પોટ વેકસીનેશનનો પ્રારંભ કર્યો છે જેનો મહત્તમ લાભ લેવાનો યુવાનોને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે જિલ્લામાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી સૌ કોઈ યુવાનો, વડીલો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના રસી મુકાવી ગુજરાતને કોરોના મુકત બનાવવા સહભાગી બને તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500