પર્વત ગામ કબૂતર સર્કલ પાસે આવેલ ફોટો સ્ટુડિયો ને ગતરોજ મોડીરાત્રે તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી મોંઘાદાટ કેમેરા, ડીવીઆર અને રોકડા રૂપિયા મળી 1.67 લાખની ચોરી કરી ચોર ઇસમો ફરાર થઇ ગયા હતા. જેથી ફોટો સ્ટુડિયોના માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોટો સ્ટુડિયોમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા પરંતુ તસ્કરો દુકાનમાંથી કેમેરાનું ડીવીઆર જ ઉઠાવી ગયા હતા.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, પર્વત ગામ કોળી ફળિયું સંસ્કૃતિ રેસીડેન્સીમાં રહેતા 45 વર્ષીય આશિકભાઇ વિજયભાઇ ટેલર કબૂતર સર્કલ પાસે કરુણેશ નગર સોસાયટીમાં પહેલા માળે એસીકસ ડીજીટલ સ્ટુડિયો નામની દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં તેઓએ દુકાન બંધ કરી ઘરે પરત આવી ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેના ફોટો સ્ટુડિયોને નિશાન બનાવી તસ્કરોએ દુકાનનું લોખંડનું શટર કોઇ સાધન વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં મૂકેલાં મોંઘોદાટ કેમેરો તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને રોકડા રૂપિયા 3000 મળી કુલ 1.67 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે બીજા દિવસે સવારે આશિકભાઇને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર કેસમાં આશિકભાઇની ફરિયાદ લઇ પુણા પોલીસે અજાણ્યા ચોર ઇસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application