સુરત જિલ્લાના પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બંધ મકાનની બારી ખોલી મોબાઈલ ફોનની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઈસમ પાસેથી પોલીસે 5 મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી એમ કુલ 78,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તારીખ 3 જુનના રોજ રાત્રિ દરમિયાન વરેલી ગ્રામ પંચાયતની નજીક આવેલ ચાચીની ચાલ પાસે ભાડાના મકાનમાં રહેતા અને લારી ઉપર કપડાં વેચી ગુજરાન ચલાવતા બે ભાઈઓ રાત્રિના સમયે અગાસી ઉપર સુવા માટે ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે ઘરની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.
બનાવ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કડોદરા ઇન્ચાર્જ પી.આઈ સરવૈયાએ તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે ટીમ સાથે કડોદરા ચાર રસ્તા ચામુંડા હોટલની સામેથી ચોરી કરનાર આરોપી બાબુ ઉર્ફે ડાબલા રામલખન રાજભર (હાલ રહે.કડોદરા બાલાજી બિલ્ડીંગ,રૂમનંબર-201,તા-પલસાણા) ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીના 5 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ 78,600/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ ઈસમ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને તે ચોરીના 11 મોબાઈલ ફોન સાથે વર્ષ 2018માં તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાય ચૂક્યો છે. આ બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500