સુરત શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારના પથિક એપાર્ટમેન્ટમાં આવેલી રેડીમેઇડ ગાર્મેન્ટની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો શટરનું તાળું તોડી લેડીઝ અને જેન્ટ્સ વેર મળી કુલ રૂપિયા 5.86 લાખના મુદ્દામાલની ચોરી કરી ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરનાં પાર્લેપોઇન્ટ સ્થિત પથિક એપાર્ટમેન્ટમાં આવેલી પુનિત એન્ટરપ્રાઇઝ નામની રેડીમેઇડ કપડાની દુકાનમાં ગતરોજ રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશી અલગ-અલગ કંપનીના ટી-શર્ટ 275 નંગ, શર્ટ 380 નંગ, ટ્રેક પેન્ટ 160 નંગ, હાફ પેન્ટ 70 નંગ ઉપરાંત અંડર ગાર્મેન્ટ અને લેડીઝ વેર મળી કુલ રૂપિયા 5.86 લાખના મુદ્દામાલ ચોરી કરી ભાગી ગયા હતા. દુકાનના માલિક હિતેશ કિરીટ પંડયા જે પત્ની અને સંતાનો સાથે કચ્છ ખાતે ધાર્મિક પ્રવાસે ગયા હતા. જેથી દુકાન તેમના પિતાજી સંભાળતા હતા અને તેમણે આ અંગે હિતેશને અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસ દોડી આવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી દુકાનના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હોવાથી તેના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500