સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કામરેજ તાલુકાનાં કરજણ ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમી રહેલા સુરત શહેરના 8 ઈસમોને રંગે હાથ પકડી પાડી તેમની પાસેથી 3.15 લાખ રૂપિયા રોકડા, મોબાઇલ અને લક્ઝરીયસ કાર આમ કુલ મળી રૂપિયા 38.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબીની ટીમ અલગ-અલગ ટીમો બનાવી કામરેજ અને કીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કરજણ ગામની સીમમાં આવેલા જીતેશભાઈ જયંતિભાઈ ભારોલિયાની માલિકીના ફાર્મ હાઉસમાં પરેશભાઈ વીરજીભાઈ માંગુકિયા (રહે.મોટાવરાછા) બહારથી માણસો બોલાવી તેઓ સાથે પૈસા વડે ગંજીપાનાનો જુગાર રમી રમાડી રહેલ છે.
જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા પરેશ વીરજી માંગુકિયા, મયુર ભાનુ ગોધાણી, જયેશ કાળુ પટેલ, કુંવરજી ડાહ્યા જીવાણી, ભરત વલ્લભ વઘાસિયા, વિપુલ રાઘવ પટેલ, ચેતન બાબુ ગાભાણી અને ધર્મેશ કાળુ માંગુકિયા (તમામ રહે.સુરત)ના ઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 3 લાખ 15 હજાર 350, 8 નંગ મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 1.25 લાખ, એક મર્સિડિઝ કાર કિંમત રૂપિયા 25 લાખ, મારુતિ અર્ટિગા કાર કિમત રૂપિયા 3.50 લાખ, માઈક્રા નિશાન કાર કિંમત રૂપિયા 3 લાખ અને હોંડા કાર કિંમત રૂપિયા 2.50 લાખ આમ કુલ મળી 38 લાખ 40 હજાર 350 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500