સુરત જિલ્લાની ધી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી., ઓલપાડની ૯૬મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલ (બી.આર.સી. કો-ઓર્ડિનેટર, ઓલપાડ)નાં અધ્યક્ષસ્થાને બી.આરસી.ભવન ખાતે યોજવામાં આવી હતી.
સભાની શરૂઆતમાં મંડળીનાં જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલ (માસમા પ્રાથમિક શાળા)એ ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું. જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. તેમણે સને ૨૦૨૦-૨૧નું પુંજી-દેવું મંજૂર કરી નફાની વહેંચણી કરવા બાબત, બચત થાપણ વ્યાજ દર નક્કી કરવા બાબત, પેટા નિયમમાં સુધારો-વધારો કરવા બાબત જેવાં એજન્ડાની વિસ્તૃત છણાવટ કરી હતી.
આ પ્રસંગે મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખસ્થાનેથી કરજ વ્યાજ સહિતના ત્રણ જેટલા સુધારા રજૂ કર્યા હતા જે ઉપસ્થિત સૌએ આવકાર્યા હતા. તેમણે સૌને સંબોધતા જણાવ્યું હતું કે, સભાસદોનો સહકાર, સંચાલકોની સેવા, સાથે જ ઈશ્વરનાં આશીર્વાદ અને પરસ્પરનાં સંકલન થકી જ આપણે અપેક્ષિત પ્રગતિ કરી શક્યા છીએ. મંડળીનાં વાઇસ ચેરમેન બળદેવભાઇ પટેલે આગામી નાણાંકીય વર્ષ માટે મંડળીનાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીઓ તેમજ ઓનરરી ઓડિટર્સની બિનહરીફ વરણી કરવા બદલ સૌ સભાસદ શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંડળીની પરંપરા મુજબ આ પ્રસંગે ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ સભાસદ શિક્ષક ભાઈ-બહેનોનાં પરિવારજનોને કલ્યાણનિધિ પેટે રૂપિયા એક-એક લાખની આર્થિક સહાય કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500