સુરત જિલ્લાના ઓલપાડના સાયણના કુંભાર સમાજના વૃધ્ધનાં અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે. પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
મુળ ભાવનગરમાં શિહોરના મઢડાગામના વતની અને હાલમાં ઓલપાડના સાયણ રોડ પર કુમકુમ બંગ્લોઝમાં રહેતા 60 વર્ષીય કાન્તીભાઇ મોહનભાઇ ધંધુકીયા (પ્રજાપતી) ગત તારીખ 23મીએ સાંજે મોટરસાયકલ પર હાંસોટ-ઓલપાડ રોડ પર જતા હતા.
તે સમયે રાયમાગામ નજીક અચાનક રોડ પર ભૂંડ દોડી આવતા તેમણે બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થઇ હતી. જેમાં તેમને ઇજા થતા હાંસોટ બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ગુરુવારે ડોકટરોએ કાંન્તીભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
ડોનેટ લાઈફને જાણ કરાતા કાંન્તીભાઇના પરિવારને સમજ અપાતા તેઓ અંગદાન માટે સંમત થયા હતા. દાનમાં મળેલી બે કિડની અને લિવર અમદાવાદની હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરાતા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500