સુરતના સરથાણા સ્થિત નેચરપાર્કમાં રાયપુરથી લવાયેલી સિંહ-સિહણની જોડીના જન્મેલા બચ્ચાને જીવાડવા ત્રણ મહિના સુધી બોટલથી દૂધ પીવડાવાયું હતું અને સપ્લીમેન્ટ આપવામાં આવ્યા હતા. સાડા ત્રણ મહિનાની મહેનત બાદ જીવી ગયેલા સિંહ બાળનું નામ 'કિચુ' રાખવામાં આવ્યું છે.
પ્રાણી સંગ્રાહલયમાં રાયપુરથી નવેમ્બર 2020માં સિહ આર્ય અને સિંહણ વસુધાની જોડી લવાઇ હતી. સિંહણે એપ્રિલમાં તબક્કાવાર ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. પણ બે મૃત જન્મ્યા હતા. એક સિંહ બાળ ફીડીંગ કરતું ન હોવાથી સીસીટીવીથી મોનટરીંગ કરી રાજકોટથી માર્ગદર્શન લેવાયું હતું. 24 કલાક રાહ જોયા બાદ તેને માતાથી છુટુ કરીને બોટલથી દૂધ આપવા પ્રયાસ કરાતો હતો પણ તે જીવી શક્યું નહોતું. ત્યારબાદ 14 એપ્રિલે સિંહણે વધુ એક બચ્ચાને જન્મ આપ્યો હતો. તેને પણ ફીડીંગમાં તકલીફ પડતી હતી.
આ વખતે ઝુના અધિકારીઓએ રાયપુર ખાતેથી ફીડબેક મેળવ્યું તેમાં સિંહણને દૂધની સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વધુ દિવસ રાહ જોયા વગર સિંહ બાળને સિંહણ વસુધાથી અલગ કરીને બોટલથી ફીડીંગ કરાવવાનું શરૃ કરાયું હતું. તેની સાથે સપ્લીમેન્ટ પણ અપાતુ રહ્યું હતું. સતત સાડાત્રણ મહિના બોટલથી દૂધ અપાયા બાદ સિંહ બાળ તંદુરસ્ત બન્યું છે અને હવે સીધું માંસ ખાતું થઇ ગયું છે. તેનું નામકરણ કરીને તેને 'કિચુ' નામ અપાયું છે. સફેદ વાઘ સાથે આગામી દિવસોમાં મુલાકાતીઓ આ સિંહ બાળને પણ નિહાળી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500