સુરતના રિંગરોડ પર આવેલ સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીને સુરતના કાપડ દલાલે તેના સબંધી સાથે મળી 32 લાખની ઠગાઇ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કાપડ દલાલે સબંધી સાથે મળી વડોદરામાં જે નામની ફર્મ જ નથી તે નામે લાખ્ખો રૂપિયાનો કાપડનો માલ મંગાવી લીધો હતો. જોકે ત્યારબાદ માલ ટ્રાન્સપોર્ટમાંથી લઇ બારોબાર વેચી નાખી પૈસા ચાઉં કર્યા હતા. વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા કાપડ દલાલ અને તેના સંબંધીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ એલ.પી.સવાણી રોડ પર ટી.જી.બી સર્કલ પાસે આત્મન પાર્કમાં રહેતા ફેનીલભાઇ હિતેશભાઇ જરીવાલા (ઉ.વ.30) રિંગરોડ પર આવેલ સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં હેમા ફેશન નામની દુકાન ધરાવે છે. બે વર્ષ અગાઉ ફેનિલભાઇ કાપડ દલાલ રાજુભાઇ શાહ ઉર્ફે નરેન્દ્ર હજારીમલ શાહ (રહે.2/1004, રત્નરાજ એપાર્ટમેન્ટ અડાજણ)ના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ રાજુભાઇએ તેના સબંધી ભુરાસીંગ ઉર્ફે ચેતનભાઇ રાજપુત (રીધ્ધી એમ્પોરીયમના માલીક/કર્તાહર્તા) (રહે.એડવર્ડ લોન્ડ્રીની સામે એમ.જી.રોડ વડોદરા) એ ભેગા મળી ગત તારીખ 16/12/2019 થી 19/03/2021ના સુધીના સમયગાળા દરમિયાન ફેનિલભાઇ પાસેથી 32.27 લાખનો બેહના સારીસના નામથી પટેલ કાંતીભાઇ લક્ષ્મણદાસ જુના આંગડીયા દ્વારા વડોદરા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં માલ મંગાવી લઇ માલ સગેવગે કરી નાંણા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
જોકે બાદમાં ફેનિલભાઇને જાણ થઇ હતી કે, બેહના સારીસ નામની વડોદરામાં કોઇ ફર્મ છે જ નહિ. જોકે બાદમાં તેઓએ પૈસાની ઉઘરાણી કરતા ભુરસીંગ અને રાજુએ માળના પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ બંનેએ ભેગા મળી ફેનિલભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500