Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓળખાણથી મકાન અપાવવાના બહાને યુવક સાથે રૂપિયા 1.58 લાખની છેતરપિંડી

  • September 17, 2021 

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમજીવી યુવકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓળખાણથી મકાન અપાવવાના બહાને બે ભેજાબાજે રૂપિયા 1.58 લાખ પડાવી લીધાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન જીયાવ રોડ પ્રિયંકા સીટી ગોલ્ડ ઘર નં.121માં રહેતા જીતેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ખત્રી (ઉ.વ.34) જે ભેસ્તાન ગુરુકૃપા સોસાયટી ખાતા નં.18માં વોરપિંગ મશીન ચલાવવાની નોકરી કરે છે અને જે ગત તા.29મે ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક મહિલાએ ફોન કરી કહ્યું હતું કે, તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન લેવા માંગતા હોય તો અમારી ઓફિસ પર આવી ફોર્મ ભરી દેજો. અમારી ઓફિસનું સરનામું દુકાન નં.413, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ઉધના દરવાજા, રીંગરોડ છે. આથી જીતેન્દ્રભાઈ 1 જૂનના રોજ તે સરનામે મળવા જતા ત્યાં હાજર મહિલાએ સરફરાઝ સાથે મુલાકાત કરાવી હતી. સરફરાઝે તમે ઓફિસ પર ફોર્મ ભરી દો, અમારા સાહેબ નીલકેશ કૃષ્ણકાંત દેસાઈની સારી ઓળખાણ છે, જેથી ડ્રોમાં તમને મકાન અપાવી દઈશું અને તમારે ફી તથા ડિપોઝીટ પેટે હાલ રૂપિયા 30 હજાર ભરવાના થશે. બાકીના જે રૂપિયા ભરવાના થશે તે પછી કહીશું.

 

 

 

 

 

જીતેન્દ્રભાઈએ વધુ ખરાઈ કર્યા વિના ત્યાં ફોર્મ ભરી રૂપિયા 30 હજાર પણ જમા કરાવ્યા હતા. ત્યારબાદ 20 જૂને સરફરાઝે ફોન કરી ડ્રો થવાનો છે કહી બીજા રૂપિયા 70 હજાર ભરાવ્યા હતા. સરફરાઝે બે મહિનામાં મકાનની કબ્જા પાવતી લેવા કહ્યું હોય જીતેન્દ્રભાઈ ગત તા.7 જુલાઈના રોજ તેની સાથે વાત કરી તેમની નવી ઓફિસ નં.302, મહાન ટેરેસ ભૂલકા,ભવન સ્કૂલની સામે,અડાજણ ગયા ત્યારે સરફરાઝે સુરત મહાનગરપાલિકાના લેટરપેડ વાળી કબ્જો પાવતી આપી હતી. તેમાં ભેદવાડ ડિંડોલીના સુમન કેશવ આવાસના મકાનની વિગતો હતી. બે-ત્રણ દિવસ બાદ ફરી સરફરાઝે ફોન ક્રરતા જીતેન્દ્રભાઈએ સ્ટેમ્પ ડયુટીના રૂપિયા 30 હજાર તેની ઓફિસે રોકડા ભરતા તેનું ફોર્મ સરફરાઝે વ્હોટ્સએપ પર જીતેન્દ્રભાઈને મોકલ્યું હતું. ફરી બે-ત્રણ દિવસ બાદ સરફરાઝે ફોન કરી જીતેન્દ્રભાઈને ઓફિસે બોલાવી પ્રોસેસ ફી ના રૂપિયા 28 હજાર ભરાવ્યા હતા.

 

 

 

 

 

આમ, લોન પાસ થયા બાદ મકાનનો કબ્જો તમને આપીશું કહી 10 દિવસ અગાઉ સરફરાઝે જીતેન્દ્રભાઈને ઉષા કન્સલ્ટન્સી સર્વિસ પ્રા.લી.નો સેંકશન લેટર વ્હોટ્સએપ પર મોકલ્યો હતો. ત્યારબાદ જીતેન્દ્રભાઈએ મકાનના કબ્જો અંગે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા શંકા ગઈ હતી. જેથી તેમને ડોક્યુમેન્ટની ખરાઈ કરવા ધાસ્તીપુરા ખાતે એફોર્ડેબલ સેલમાં જઈ તપાસ કરી તો સરફરાઝે તેમને આપેલી કબ્જા પાવતી, ઈન્ફોર્મેશનકાર્ડ, સ્ટેમ્પ ડયૂટીનું ફોર્મ, લોન સેંકશન લેટર અને અન્ય ડોક્યુમેન્ટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. આથી ગતરોજ જીતેન્દ્રભાઈએ નીલકેશ કૃષ્ણકાંત દેસાઈ અને સરફરાઝ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં રૂપિયા 1.58 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. બંને ભેજાબાજે અન્યોને પણ ભોગ બનાવ્યાની આશંકાને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application