સુરતના રિંગરોડ સાગર ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રીજી ટેક્ષ ફર્મના નામે ધંધો કરતા મહિલા વેપારી પાસેથી રૂપિયા 20 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના 2 વેપારી સહિત 4 સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ હતી.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, સીગણપોર કોઝવે રોડ રમણપાર્ક સોસાયટીમાં રહેતા મમતાબેન જયેશભાઈ વાછાણી (ઉ.વ.39) રિંગરોડ સાગર ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રીજી ટેક્ષના નામેથી દુકાન ધરાવે છે. દુકાન પહેલા તેમની પતિ જયેશભાઈ સંભાળતા હતા પરંતુ જયેશભાઈનું ગત તા. 8મે ના રોજ કોરોનામાં અવસાન થયા બાદ પોતે ધંધો સંભાળી રહ્યા છે. મમતાબેન પાસેથી ગત તા. 16જુનથી 22 જુન 2021ના સમયગાળા દરમિયાન કાપડ દલાલ પ્રફુલ અગ્રવાલ, પરેશ મારફતે ઉમરવાડા ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં ભુમી ક્રિએશનના માલીક નીતીન હીરા બારૈયા અને લક્ષ્મી ફેશનના માલીક સંતોષ અર્જુન પાટીલે અલગ-અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 20,04,143/-નો ગ્રે-કાપડનો માલ ખરીદ્યો હતો.
નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા મમતાબેને ઉઘરાણી કરતા આરોપીઓએ તમારુ પેમેન્ટ ભુલી જાવો હવે તમને પેમેન્ટ મળશે નહી તમારાથી થાય તે કરી લેજે હવે બીજી વખત ફોન કરશે તો હાથ ટાટીયા તોડાવી નાખીશ અને જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી દુકાન બંધ કરી નાસી ગયા હતા. પોલીસે મમતાબેનની ફરિયાદ લઈ ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500