માંડવી પોલીસે હરિયાલ ગામની હદમાંથી વિદેશી દારૂ ભરેલ એક છોટા હાથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી 1.92 લાખનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો, જ્યારે ટેમ્પાનો ચાલક ભાગી જતાં તેને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, કીમ માંડવી રોડ ઉપર હરિયાલ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. તે સમયે વર્ણન મુજબનો એક ટેમ્પો નંબર જીજે/05/બીઝેડ/3711 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ ચાલક ટેમ્પો લઈ ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં ચાલક હરિયાલ ગામની હદમાં સાનીકા મીલની સામે રસ્તા ઉપર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસે ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં યાર્નના રિલ નજરે પડ્યા હતા. આ યાર્નના રિલ નીચે ઉતારતા તેની નીચે સંતાડેલ વિદેશી દારૂ તેમજ બીયરની કુલ 1728 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1.92 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 2.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઈ જતાં તેને વોન્ડેટ જાહેર કરી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500