જિલ્લા કલેકટર આયુષ ઓકે સુરત શહેરના મજુરા, ઉધના, કતારગામ, અડાજણ, પુણા તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવાની સુચનાઓ આપી હતી.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતા જનસેવા કેન્દ્રો ખાતે જાતિ તથા આવકના દાખલા મેળવવા માટે અરજદારોનો ધસારો જોવા મળે છે. જેથી અરજદારોને આવક તથા અન્ય પ્રમાણપત્રો નિયત સમયમર્યાદામાં સરળતાથી મળી રહે તે માટે વધારાની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સુચનાઓ જિલ્લા કલેકટરે આપી હતી. જનસેવા કેન્દ્રો પર વધારાના સ્ટાફગણની ફાળવણી કરવા, અઠવાલાઈન્સ અને જુની કોર્ટ બિલ્ડીંગના જનસેવા કેન્દ્રો ખાતે અરજદારો માટે મંડપની વ્યવસ્થા કરવા, મિનીબજારની જુની વોર્ડ ઓફિસના જનસેવા કેન્દ્ર ખાતે બેરીકેડીંગ તથા વેઇટીંગમાં ઉભેલા અરજદારો માટે મંડપ ઉભા કરવા, મોટા અને સુવાચ્ય અક્ષરોમાં સાઈનબોર્ડ મુકવા તથા વહેલી સવારે અરજદારોને ટોકન મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી હતી.
કલેક્ટરએ અરજદારોને યોગ્ય સમયે પ્રમાણપત્રો મળી રહે એ માટે ડેટા એન્ટ્રી ઓપરેટરોની સંખ્યા વધારવા, અરજદારોની કતારો હોય તો વધુ સુરક્ષા સ્ટાફની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જે અરજદારોએ ઓનલાઈન ફોર્મ જમા કરાવ્યાં હોય પણ ફી ભરી શકયા ન હોય તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાંની ખાસ તાકીદ કરી હતી.
આ દરમિયાન અરજદારો સરળતાથી ફોર્મ ભરી શકે તે માટે અઠવા લાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે 'જનસહાયતા કેન્દ્ર'ને કલેકટરએ ખુલ્લુ મુકયું હતું. અન્ય મામલતદાર કચેરીઓ ખાતે પણ 'જનસહાયતા કેન્દ્રો' શરૂ કરવાની તાકીદ તેમણે કરી હતી. મુલાકાત દરમિયાન જમીન સુધારણા અધિકારી રાજેશ.આર.બોરડ તથા મામતલદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500