બારડોલી તાલુકાનાં જૂની કીકવાડ ગામે છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાય રહ્યો હોવાની ગ્રામજનોની ફરિયાદને લઈ વનવિભાગ દ્વારા 15મી જુલાઈના રોજ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગુરુવારે મધ્યરાત્રિ બાદ 2 વાગ્યાના અરસામાં એક દીપડો પાંજર પુરાયો હતો. જે 4 વર્ષની માદા હોવાનું વન વિભાગે જણાવ્યુ હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના જૂની કીકવાડ ગામે સાપ પકડવા માટે ગયેલી ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમને ગ્રામજનોએ ગામમાં દીપડો ફરી રહ્યો હોવાની ફરિયાદ કરતાં ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમે બારડોલી વન વિભાગને જાણ કરી હતી અને ગામના જ કેતનભાઈ ચૌધરીએ લેખિત અરજી પણ આપી હતી. જેના આધારે વન વિભાગની ટીમે 15મી જુલાઈના રોજ કેતનભાઈના ઘર નજીક મરઘીના મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતુ.
તે દરમિયાન આ પાંજરામાં ગુરુવારે મધ્યરાત્રિ બાદ 2 વાગ્યાના અરસામાં મરઘી ખાવાની લાલચે એક દીપડો પાંજરે પુરાયો હતો. જેની જાણ થતા જ મોટી સંખ્યા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા. વન વિભાગની ટીમ પણ તાબળતોડ ત્યાં આવી પહોંચી હતી અને દીપડાનો કબ્જો લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ એક 4 વર્ષની માદા છે જેને પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ ગાઢ જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે માદા સાથે એક નર દીપડો પણ ફરી રહ્યો છે આથી ફરી એક વખત પાંજરું મૂકવાની ગ્રામજનોએ માગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500