સુરતનાં પલસાણા તાલુકાના બગુમરા ગામે શેરડીના પડાવમાં રહેતા યુવકને તેના બે મિત્રો બાઈક પર લઈ ગયા બાદ સાંજે તેને ઇજાગ્રસ્ત હાલતમાં પડાવ પર છોડી નાસી છૂટ્યા હતા. જોકે પરિવારજનો યુવકને દવાખાને લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નવાપુરના વતની અશોક બારકિયા માવચી તેના પરિવારજનો સાથે ચલથાણ સુગર ફેકટરીમાં શેરડી કાપણીની મજૂરી કામ માટે આવ્યા છે અને હાલ બગુમરા ગામે શેરડી કાપવા આવેલા મજૂરોના પડાવમાં પરિવાર સાથે રહે છે. પરંતુ શનિવારના રોજ સાંજે અશોકભાઈનો પુત્ર શિલેશ (ઉ.વ.29) પડાવમાં જ રહેતા તેના મિત્રો સોનુ પુનિયા ગામીત અને યોહાન નાકિયા ઉર્ફે નકુ મૂળજી માવચી સાથે બાઈક પર ક્યાંય જવા માટે નીકળ્યો હતો.
તે દરમિયાન સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ સોનુ પુનિયા ગામીત અને યોહન માવચી શિલેશને બાઈક પર વચ્ચે બેસાડીને લાવ્યા હતા અને શિલેશ ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોય તેના પરિવારજનો અને પડાવના અન્ય મજૂરો ભેગા થઈ ગયા હતા. શિલેશને તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચી હોય નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આમ, શિલેશને છોડીને બંને મિત્રો નાસી છૂટતા મૃતકના પિતા અશોકભાઈએ પલસાણા પોલીસ મથકમાં સોનુ પુનિયા ગામીત અને યોહન નાકિયા ઉર્ફ નકુ મૂળજી માવચી વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application