સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં કડોદ ગામે આવેલ સોની ફળિયામાં રાત્રિના સમયે અચાનક બે માળનું મકાન ધરાશય થયું હતું. અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ ઊંડું ખોદકામ કરતાં મકાન ધરાશય થયું હોવાનું જાણવા મળે છે. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં કડોદ ગામે સોની ફળિયામાં રહેતા દિલિપભાઈ હીરાલાલ શાહના પુત્ર રાજુભાઇ શાહના ઘરની બાજુમાં અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ જેટલું ઊંડું જેસીબીથી ખોદકામ કરાતા રાત્રિના 8 વાગ્યાની આસપાસ બે માળનું મકાન ધરાશય થયું હોવાનું જાણવા મળે છે. રાજુભાઇ શાહે ગ્રામ પંચાયતના તલાટીને લેખિતમાં જણાવ્યુ હતું કે, વૈષ્ણવ સમાજની વાડી બનાવવામાં આવી રહી છે. જે રોડ લેવલથી 10 થી 15 ફૂટ જેસીબીથી ખોદકામ કરવામાં આવશે તો અમારા પાકા મકાનો તૂટી જવાની સંભાવના છે. પરંતુ સમાજના પ્રમુખ ભરતભાઇએ કોઇની પણ વાત સાંભળ્યા વગર રોડ લેવલથી 15 ફૂટ જેટલું ખોદકામ કરાવતા મકાન ધરાશય થતાં રાજુભાઇ શાહને 30 લાખથી વધુનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.
મકાન ધરાશય થતાં ઘરમાં રહેલ ટીવી નંગ-2, ફ્રીઝ-2, એ,સી-2, ડાઈનિંગ ટેબલ તેમજ ઘરવખરી સહિતથી માંડી અનેક વસ્તુને નુકશાન થયું છે. કડોદમાં ભૂકંપ આવ્યો હોય તેમ મકાન ધરાશય થતાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદ આઉટ પોસ્ટના જમાદાર, જી.ઇ.બી. સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ ઘટનામાં રાજુભાઇ શાહે જણાવ્યુ હતું કે, અમે જમવા બેસવાની તૈયારી હતી. પરંતુ ભૂકંપ જેવો આંચકો આવતા અમારા પરિવારના સભ્યોનો બચાવ થયો હતો. વૈષ્ણવ સમાજના ભરતભાઇ, ધનસુખભાઈ, દિપકભાઈ, રાજુભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ જણાવ્યુ હતું કે, આ મકાન તૂટી ગયું છે તેનું દુખ છે. જે ખર્ચ થશે તે આપવા માટે તૈયારી બતાવી હતી. હાલમાં બંને પક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા ગામના આગેવાનો સાથે ચાલી રહી હોવાનું જાણવા મળે છે. હાલ કોઈ ફરિયાદ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી હોવાનું પણ જાણવા મળ્યું હતું. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500