સુરત જિલ્લાના વિવિધ યોજનાઓના અમલીકરણના કરોડો રૂપિયાના કામો સરકાર દ્વારા કરવામાં આવે છે તે કામો સ્થળ ઉપર જાહેર જનતા જોઈ શકે અને સ્પષ્ટ રીતે વાંચન કરી શકે તેવા સ્થાને દરેક કામગીરીની સંપૂર્ણ વિગતો સાથેના સાઈન બોર્ડ લગાવવા માટેની માંગ કરતી લેખિતમાં રજૂઆત જિલ્લા કોગ્રેસના માજી સદસ્ય દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે. જેથી સરકારી કામોમાં થતી ગેરરીતિઓ અટકાવી શકાય અને ગુણવત્તાયુક્ત વિકાસ કામો સમય મર્યાદામાં થઈ શકે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં વિકાસનાં કામો માટે અને લોકોનું જીવનધોરણ ઊંચુ આવે એ માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ વિવિધ યોજનાકીય ગ્રાન્ટો સમયમર્યાદામાં ગ્રામ્ય વિસ્તારમાં લોકહિત માટે વાપરવાની હોય છે. આ કામોમાં સરકારનો પારદર્શિતા જળવાય તેવો હેતુ પણ હોય છે છતાં સ્થાનિક લેવલે વિવિધ યોજનાઓના અમલીકરણ. જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવતા વિકાસનાં કામોની ગ્રામિણ જનતા ને કોઈ જ ખ્યાલ હોતો નથી જેથી આવી યોજનાઓના અમલીકરણમાં ગેરરીતિઓ થવાની સંભાવનાઓ વધી જાય છે.
ત્યારે કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે જિલ્લા વિકાસ અધિકારીને માંગ કરતી લેખિતમાં રજૂઆત કરી છે કે, જિલ્લા પંચાયત દ્વારા જેટલા પણ વિકાસના કાર્યો ચાલી રહ્યા છે અને યોજનાઓના અમલીકરણ પણ થઇ રહ્યા છે અને ભવિષ્યમાં કરવામાં આવનાર તમામ વિકાસનાં કામોની જિલ્લાના તમામ સ્થળો પર જાહેર જનતા જોઈ શકે અને સ્પષ્ટ રીતે વાંચન કરી શકે તેવા સ્થાને, દરેક કામગીરીની માહિતી જેમ કે પ્રોજેક્ટનું માન્ય ખર્ચ, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરનું નામ, કંપનીનું નામ, સંપર્ક નંબર તેમજ કામગીરી ઉપર દેખરેખ રાખતા અમલીકરણ અધિકારીનું નામ, હોદ્દો, મોબાઈલ નંબર સાથેનું એક બોર્ડ લગાવવામાં આવે. તેમજ દરેક કામગીરીની દેખરેખ, કયા અધિકારીની જવાબદારી નીચે આવે છે. તેમજ તે અધિકારીની કામગીરીમાં કઈ જવાબદારી આવે તેમજ તેના દ્વારા કયા-કયા પગલા લેવામાં આવે છે તેવા માહિતી દર્શાવતા દરેક વિકાસના કામોના સ્થળ પર બોર્ડ લગાવવા માંગ કરી છે. જેથી આમ જનતાને માહિતી મળી શકે અને તમામ વહીવટમાં પારદર્શિતા જળવાઈ તેમજ તેની સમયમર્યાદામાં કામ પૂર્ણ થઈ શકે.
જેથી કામકાજ અંગેની કોઈ ફરિયાદ હોય તો આમ નાગરિકને સરકારી કચેરીઓમાં દળ-દળ ભટકવાની ઝંઝટથી છુટકારો મેળવી શકાય.જેથી માંગણીને વ્યાજબી માનીને બોડૅ લગાવવા માંગ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ જિલ્લા કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે માહિતી દર્શાવતા બોર્ડ મુકવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બહુમતીના જોરે સત્તાધીશોએ કોંગ્રેસની માંગ ને નકારી દઈ અમલીકરણ કરવા માટે તસ્દી લીધી નથી જેથી જિલ્લા કોંગ્રેસ વતિથી ફરીથી માંગ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500