સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતો હીરાનો વેપારી એ.કે.રોડ પર હીરાનું ખાતું ધરાવે છે અને ૨૨ દિવસ અગાઉ જ તેમની પાસે એક કારીગર કામ કરવા માટે આવ્યો હતો જયારે હિરાના વેપારીએ પાંચ દિવસ બાદ તેને કામ પર રાખી લીધો હતો. ગતરોજ કારીગરે મહિલા મેનેજર પાસેથી ૫૩.૮૨ લાખના હીરા સરિન મશીનમાં સાઇન કરવા માટે લીધા હતા. જોકે, આ હીરા લીધા બાદ કારીગર ખાતામાં સૌ કોઇની નજર ચૂકવી હીરા લઇ પલાયન થઇ ગયો હતો. બનાવને પગલે હીરાના વેપારીને જાણ થતા વેપારીએ વરાછા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોટા વરાછા સેટેલાઇટ રોડ પર સાધના સોસાયટીમાં રહેતા બકુલભાઇ ધીરૂભાઇ સાવલીયા (ઉ.વ.43) હીરાનું ખાતું ધરાવે છે અને વરાછા એ.કે.રોડ પર આઇ.સી.ગાંધી કમ્પાઉન્ડ પાસે સી.જે.એક્ષપોટર્સ બિલ્ડીંગમાં હીરાની પેઢી ધરાવે છે. એક મહિના અગાઉ મેહુલભાઇ બાવકુભાઇ કામળીયા (રહે.ગધેસરગામ,તા.તળાજા,જિ.ભાવનગર) નામનો યુવાન તેમની પાસે કામ માટે આવ્યો હતો. બકુલભાઇને મશીન ઓપરેટરની જરૂર હોવાથી તેઓએ સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મેસેજ કારીગરોના ગ્રુપમાં મુક્યો હતો. આ મેસેજ અન્ય ગ્રુપમાં વાયરલ થયા બાદ મેહુલે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મેહુલ તેમને મળવા ખાતા પર પણ આવ્યો હતો. મેહુલને મળ્યાના પાંચ દિવસ બાદ બકુલભાઇએ તેમને ખાતામાં કામ માટે રાખી લીધો હતો. જોકે, ગતરોજ સાંજના ૭.૫૦ વાગયાના અરસામાં મેહુલે પેઢીમાં મેનેજર તરીકે કામ કરતી પુજાબેન રાજુભાઇ રામાવત પાસેથી ૫૩.૮૨ લાખના હીરા સરીન મશીનમાં સાઇન મારવા માટે લીધા હતા અને ત્યારબાદ મેહુલ પેઢીમાં સૌ કોઇની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે બકુલભાઇને જાણ થતા તેમને વરાછા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500