Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં 'પ્રોજેક્ટ રિસાયકલ' હેઠળ ૨૧ વિદ્યાર્થીઓને સાયકલની ભેટ

  • June 09, 2021 

સુરત મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા જૂની અને બિનઉપયોગી સાયકલો મેળવી તેને રિસાયકલ કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આપવાનો અનોખો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના ભાગરૂપે વરાછાના સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે ૨૧ વિદ્યાર્થીઓને રિસાયકલ થયેલી સાયકલ ભેટમાં આપવામાં આવી છે. સાયકલની ગિફ્ટ મેળવનાર મોટાભાગના વિદ્યાર્થીઓના પિતા હયાત નથી. માતા ભાડાના મકાનમાં રહી બાળકોને ભણાવે છે. સાયકલ મળવાથી આવા અતિજરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતાં, તેમના પરિવારને પણ હરખનો પાર નથી.

 

 

 

 

ડે.મેયર દિનેશભાઈ જોધાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સાયકલ વિતરણ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યુ હતુ કે, લોકોના ઘરે ભંગારમાં પડેલી ક્ષતિગ્રસ્ત સાયકલો મેળવીને રિપેરીંગ કરી આજે ૨૧ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી ત્યારે એમના ચહેરા પર સ્મિત રેલાયું એ આ પ્રોજેક્ટની સફળતા છે. સાયકલિંગથી સ્વાસ્થ્ય જળવાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ પણ રહેશે અને પર્યાવરણની રક્ષામાં પણ સહભાગી બનશે. આગામી એક વર્ષમાં ૧૦૦૦ વ્યક્તિઓને સાયકલની ભેટ આપવાનો અમારો સંકલ્પ છે. જેમાં સહયોગી બનવા માટે નાણાકીય દાનની જરૂર નથી, પરંતુ જૂનીપુરાણી સાયકલ આપીને સેવાકાર્યમાં લોકો યોગદાન આપી શકે છે.

 

 

 

 

પ્રોજેક્ટ વિષે વિગતો આપતા મનપાના ડે.કમિશનર રાજેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, સાયકલને સામાન્ય માણસનું વાહન ન ગણતા એક ઉપયોગી સંસાધન ગણી તેનો વપરાશ વધે સાથે સાયકલના ફાયદા અંગે જનજાગૃતિ માટે લોકો અને સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. વધુમાં આજના સમયમાં ટ્રાફિકની ઘણી સમસ્યાને પણ હળવી કરી શકાય.

 

 

 

 

આ પ્રસંગે સુરતના બાયસિકલ મેયર તરીકે ઓળખાતા સુનિલ જૈને સુરતીઓને જૂની બિનઉપયોગી સાયકલનું દાન આપવાં અપીલ કરી હતી, જે માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજની ઓફિસના ફોન નં. ૦૨૬૧-૨૫૪૦૪૧ ઉપર સંપર્ક કરી શકાશે. જેથી વધુમાં વધુ લોકોને સાયકલની નિ:શુલ્ક ભેટ આપીને તેમની ખુશીનું કારણ બની શકાય એમ તેમણે ઉમેર્યું હતું. પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણનું કાર્ય કરતા દેવચંદભાઈ કાકડીયા અને કાળુભાઈ શેલડીયાની પ્રેરણાથી સાયકલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વૃક્ષ વાવીને ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application